સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના પોરડા ગામે 69 વર્ષના વૃદ્ધની ઘાતકી હત્યાની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઘરના ફળીયામાં સૂઈ રહેલા વૃદ્ધ પર રાત્રિના અંધારામાં અજાણ્યા શખસે હથિયાર વડે ઘા ઝીંકી હત્યા કરી ફરાર થઈ ગયો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. પોરડા ગામે રહેતા 69 વર્ષીય કડવાજી લક્ષ્મણજી ઠાકોર રાત્રિના સમયે પોતાના ઘરના ફળીયામાં સૂતા હતા. તેમનો દીકરો, પુત્રવધૂ અને બાળકો ઘરની અંદર સૂતા હતા. દરમિયાન રાત્રિના અંધારામાં કોઈ અજાણ્યો શખસ ઘરમાં પ્રવેશ્યો હતો અને ફળીયામાં સૂઈ રહેલા કડવાજી લક્ષ્મણજી ઠાકોર પર કોઈ હથિયાર વડે ઘા ઝીંકી ઘાતકી હુમલો કર્યો હતો. હુમલા બાદ આરોપી અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું.
હુમલા બાદ રાડ-બૂમ અને દેકારો થતાં ઘરમાં સૂઈ રહેલા પરિવારજનો સફાળા જાગી ગયા હતા. ત્યારબાદ તેમણે આજુબાજુમાં રહેતા લોકોને બનાવની જાણ કરી હતી. સમગ્ર ઘટનાની જાણ થતાં પાટડી પોલીસને જાણ કરવામાં આવી હતી.
ઘાતકી હત્યાની જાણ થતાં પાટડી પોલીસ મથકના પીઆઈ આઈ.એમ. હુદડ, પીએસઆઈ એચ.એચ. ગોહિલ સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક પોરડા ગામે દોડી ગયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી અને મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે પાટડી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.
હત્યાની ઘટનાને પગલે પરિવારજનોમાં ભારે આક્રંદ અને રોકકળ જોવા મળી હતી. પાટડી સરકારી હોસ્પિટલ ખાતે પણ ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં ઠાકોર સમાજના આગેવાનો પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.
પાટડી પોલીસે પરિવારજનોના નિવેદનો લીધા છે અને હત્યા અંગે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. આ હત્યા પાછળનું ચોક્કસ કારણ અને હુમલાખોર કોણ છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. સમગ્ર કેસની વધુ તપાસ પાટડી પીએસઆઈ એચ.એચ. ગોહિલ ચલાવી રહ્યા છે.
