ભુજમાં ખેડૂત પાસેથી ખાતેદારના દાખલા માટે લાંચ લેતા તલાટી ઝડપાયો

અહીંની પ્રાંત કચેરીમાં લાંચ રુશ્વત વિરોધી દળે ગોઠવેલા લાંચના છટકામાં ભુજ શહેરના મહેસૂલી તલાટી ચંદુભાઇ ગેલાભાઇ હરણ લાંચ લેતાં રંગેહાથ ઝડપાઇ જતાં ચકચાર મચી છે.…

અહીંની પ્રાંત કચેરીમાં લાંચ રુશ્વત વિરોધી દળે ગોઠવેલા લાંચના છટકામાં ભુજ શહેરના મહેસૂલી તલાટી ચંદુભાઇ ગેલાભાઇ હરણ લાંચ લેતાં રંગેહાથ ઝડપાઇ જતાં ચકચાર મચી છે. આ અંગે સત્તાવાર રીતે જાહેર થયેલી વિગતો મુજબ ફરિયાદીની વડીલોપાર્જિત જમીન ભુજ ખાતે આવેલી હતી, જે તા. 27/3/26ના રજિસ્ટર દસ્તાવેજથી વેચાણ કરી હતી.

આ જમીન સિવાય ફરિયાદી પાસે અન્ય કોઇ ખેતીની જમીન બાકી રહેતી ન હોવાથી ફરિયાદી પોતાનો ખેડૂત ખાતેદારનો દરજ્જો ચાલુ રાખવા ખેડૂત ખાતાનો દાખલો આપવા માટે રૂા. 40 હજારની માગણી આરોપી એવા મહેસૂલી તલાટી ચંદુભાઇએ કરતાં રકજકના અંતે 35 હજાર નક્કી કરી આજે આ રકમ આપવાની હતી. આ ગેરકાયદેસર લાંચ ફરિયાદી આપવા માગતા ન હોઇ તેમણે એ.સી.બી.નો સંપર્ક કરી પોતાની ફરિયાદ આપી હતી. આથી એ.સી.બી. રાજકોટ, નાયબ નિયામક ઇન્ચાર્જ અધિકારી બળદેવસિંહ વાઘેલા, એ.સી.બી. બોર્ડર એકમ ભુજના મદદનીશ નિયામક કે. એચ. ગોહિલનાં માર્ગદર્શન હેઠળ પી.આઇ. જે. જે. ચૌધરીએ છટકું ગોઠવ્યું હતું, જેમાં ફરિયાદી પાસેથી રૂા. 35 હજારની લાંચ લેતાં આરોપી ચંદુભાઇ હરણ લાંચ સ્વીકારતાં રંગેહાથ ઝડપાઇ ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *