જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળા ગામે એલસીબીની ટીમે બાતમીના આધારે નામચીન બુટલેગરના મકાનમાં દરોડો પાડીને વિદેશી દારૂૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસ દરોડા દરમિયાન મકાનમાંથી અલગ-અલગ બ્રાન્ડની રૂૂ.3 લાખની કુલ 1,728 બોટલો મળી આવી હતી, દરોડા સમયે બુટલેગર ફરાર થઇ ગયો હતો.
બોરડી સમઢીયાળા ગામનો રહેવાસી કુલદીપ ઉર્ફે કેતન મનુભાઈ મોયા પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂૂનો જથ્થો રાખીને હેરફેર કરે છે. તેવી બાતમી મળતાં જ એલસીબીની ટીમે બોરડી સમઢીયાળા ગામે આવેલા ’મોમાઈ કૃપા’ લખેલા રહેણાંક મકાને દરોડો પાડ્યો હતો. દરવાજો બંધ હોવાથી પોલીસે અવાજ આપતાં આરોપીની માતા શાંતુબેન મનુભાઈ મોયા બહાર આવ્યા હતા.
તેમણે પોલીસને જણાવ્યું હતું કે કુલદીપ બહારગામ ગયો છે. પોલીસે તપાસ કરતા ઓસરી બાદ આવેલા રૂૂમમાંથી ખાખી કલરના પુઠાની પેટીઓ તથા કાળા પ્લાસ્ટિકના ઝબલાઓમાં છુપાવેલો રૂૂ.3 લાખની કુલ 1,728 બોટલ વિદેશી દારૂૂનો જથ્થો મળી આવ્યો હતો. જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપી ફરાર કુલદીપ ઉર્ફે કેતન મનુભાઈ મોયા સામે ગુનો નોંધવામાં આવ્યો છે. બનાવ અંગે આગળની વધુ તપાસ એ.એસ.આઈ. એમ.જી ડોડિયા ચલાવી રહ્યા છે.
