શ્ર્વાનને બચાવવા દોડેલા યુવાનનું કાટમાળ નીચે દબાઇ જવાથી મોત

  આણંદ શહેરમાં ધોધમાર વરસાદ વચ્ચે માનવતા અને પશુપ્રેમનું હૃદયસ્પર્શી પરંતુ કરુણ દૃશ્ય સામે આવ્યું છે. શહેરના લોટીયા ભાગોળ વિસ્તારમાં ભારે વરસાદના કારણે એક કાચું…

 

આણંદ શહેરમાં ધોધમાર વરસાદ વચ્ચે માનવતા અને પશુપ્રેમનું હૃદયસ્પર્શી પરંતુ કરુણ દૃશ્ય સામે આવ્યું છે. શહેરના લોટીયા ભાગોળ વિસ્તારમાં ભારે વરસાદના કારણે એક કાચું મકાન અચાનક ધરાશાયી થતાં એક યુવાનનું કરુણ મોત નીપજ્યું છે. સૌથી દુ:ખદ બાબત એ છે કે આ યુવાન પોતાનો જીવ બચાવીને ઘરની બહાર નીકળી ગયો હતો, પરંતુ પોતાના પાળેલા વફાદાર શ્વાનને ઘરમાં ફસાયેલો જોઈ તેને બચાવવા ફરી અંદર દોડી ગયો હતો.

કમનસીબે, તે શ્વાનને બહાર લાવે તે પહેલાં જ આખું મકાન ધરાશાયી થતાં યુવાન અને શ્વાન બંને કાટમાળ નીચે દટાઈ ગયા હતા. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે શોકનો માહોલ સર્જ્યો છે. ભારે વરસાદ દરમિયાન બનેલી આ ઘટના માત્ર એક અકસ્માત નથી, પરંતુ એક યુવાનના પોતાના પાળેલા અબોલ જીવ પ્રત્યેના અતૂટ પ્રેમ અને સમર્પણનું પણ કરુણ ઉદાહરણ બની છે.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ ભારે જહેમત બાદ પણ બંનેને જીવતા બચાવી શકાયા નહોતા. પરિવારના સભ્યો સુરક્ષિત બહાર આવ્યા બાદ યુવાન જયરાજસિંહ ચાવડાને યાદ આવ્યું કે તેમનો પાળેલો શ્વાન હજુ પણ ઘરની અંદર જ છે. પોતાના પાળેલા અબોલ જીવને બચાવવાની ભાવનાથી તેમણે કોઈ વિચાર કર્યા વિના ફરી તૂટી રહેલા મકાનમાં પ્રવેશ કર્યો હતો. પરંતુ, તેઓ શ્વાન સુધી પહોંચે તે પહેલાં જ જર્જરિત મકાનની છત અને દિવાલો ધડાકાભેર તૂટી પડી હતી. ભારે કાટમાળ નીચે જયરાજસિંહ અને તેમનો શ્વાન બંને દબાઈ ગયા હતા.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *