તમારી દીકરી નકામી છે,મરી જાય તો ઘરમાં જગ્યા થશે: પરિણીતાના આપઘાતમાં સાસરિયા સામે ગુનો નોંધાયો

ભગવતીપરા વિસ્તારમાં આવેલી રઝીયા મદ્રેસાની સામે નંદનવન-01 ની સામેની શેરીમાં એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં લગ્નના માંડ પાંચ જ મહિના…

ભગવતીપરા વિસ્તારમાં આવેલી રઝીયા મદ્રેસાની સામે નંદનવન-01 ની સામેની શેરીમાં એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં લગ્નના માંડ પાંચ જ મહિના વીત્યા બાદ એક 22 વર્ષીય યુવતીએ પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઇને જીવન ટૂંકાવી લીધું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર, મૃતક રૂૂમાનાબેનના લગ્ન ગત તા.08/02ના રોજ સમાજના રીતિ-રિવાજ મુજબ સલીમભાઈ ઇબ્રાહીમભાઈ બાવનકા સાથે થયા હતા. લગ્ન સમયે બંને પરિવારોમાં ખુશીનો માહોલ હતો, પરંતુ આ ખુશી લાંબો સમય ટકી શકી નહીં. લગ્નના માત્ર ત્રણ મહિના બાદથી જ સાસરી પક્ષ દ્વારા યુવતી પર અસહ્ય ત્રાસ ગુજારવામાં આવતો હતો. પતિ સલીમભાઈ, સાસુ શરીફાબેન અને નણંદ અફશાનાબેન દ્વારા ઘરમાં નાની-નાની બાબતોમાં ભૂલો કાઢીને અવારનવાર ઝઘડા કરવામાં આવતા અને મેણા-ટોણા મારવામાં આવતા હતા. રૂૂમાનાબેનને ઘરનું કામકાજ બાબતે સતત શારીરિક તથા માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. જ્યારે યુવતી આ બાબતની ફરિયાદ પોતાના પતિને કરતી, ત્યારે પતિ સલીમ પણ તેનો પક્ષ લેવાને બદલે તેને ચૂપ રહેવા જણાવતો અને હાથાપાઈ કરતો હતો.

પિતા મહમદભાઈ અને તેમના પત્નીએ સાસરી પક્ષને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે તેમની દીકરીને ખૂબ ત્રાસ આપવામાં આવી રહ્યો છે અને જો આમ જ ચાલુ રહેશે તો તે મૃત્યુ પામશે, તેથી તેઓ તેને પિયર લઈ જવા માગે છે. પરંતુ આશ્ચર્યજનક અને અત્યંત ક્રૂર વાત તો એ છે કે સાસુ શરીફાબેન અને નણંદ અફશાનાબેને ઉદ્ધતાઈપૂર્વક જવાબ આપ્યો હતો કે તેમની દીકરી નકામી છે અને જો તે મરી જાય તો પણ તેમના ઘરમાં જગ્યા ઓછી થશે.આટલું જ નહીં, પતિ સલીમે પણ પિતાને ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂક્યા હતા અને દરવાજો બંધ કરી દીધો હતો, જેના કારણે માતા-પિતા પોતાની દીકરીને ત્યાંથી સુરક્ષિત રીતે પાછા લાવવામાં અસમર્થ રહ્યા હતા.

સાસરીયાઓના આ અમાનવીય વર્તન અને સતત માનસિક ત્રાસથી અત્યંત કંટાળીને અને માનસિક ભાંગી પડેલી રૂૂમાનાબેને ગત તા.21/07 ના રોજ બપોરના અરસામાં પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઇ લીધો હતો. આ મામલે પોલીસે મૃતકના પિતાની ફરિયાદ નોંધીને પતિ સલીમભાઈ ઇબ્રાહીમભાઈ બાવનકા, સાસુ શરીફાબેન ઇબ્રાહીમભાઈ બાવનકા અને નણંદ અફશાનાબેન ઇબ્રાહીમભાઈ બાવનકા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *