રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી એક શરમજનક ઘટના સામે આવી છે, જ્યાં રહેતી 38 વર્ષીય પરિણીતાને તેનો જ એક પાડોશી છેલ્લા કેટલાક સમયથી અસહ્ય માનસિક ત્રાસ આપી રહ્યો હતો.પ્રાપ્ત વિગતો અનુસાર, સાધુવાસવાણી કુંજ રોડ પર રહેતા હાર્દિક મહેશભાઈ પોપટ નામના શખસે આ નીચ કૃત્ય આચર્યું છે. પરિણીતાના પતિ ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને દંપતીને સંતાનમાં બે પુત્રો છે. ગત તા. 27મી મેના રોજ બપોરે પરિણીતાના પતિ નોકરી પર ગયા હતા ત્યારે આરોપી હાર્દિક પોપટે બદઈરાદાથી પરિણીતા તથા તેના પતિના મોબાઈલ નંબર સાથે અત્યંત બિભત્સ કોમેન્ટ્સ લખીને એક વાંધાજનક પોસ્ટર સોસાયટીના મુખ્ય નાકા પર લગાવી દીધું હતું. આ ઘટના સમયે પરિણીતાએ પોલીસમાં લેખિત જાણ કરી હતી, પરંતુ આરોપીની માનસિકતામાં સુધારો થયો ન હતો.
આ શરૂઆતી હરકત બાદ પણ હાર્દિક પોપટનો ત્રાસ અટક્યો ન હતો, પરંતુ તેમાં વધારો થયો હતો. આરોપી અવારનવાર પરિણીતા જ્યારે તેના પુત્રોને સ્કૂલ બસમાં બેસાડવા કે બજારમાં ખરીદી કરવા જતી ત્યારે તેનો પીછો કરતો હતો. તે પરિણીતા અને તેના પરિવારના ફોટા પાડીને તેમાં બિભત્સ કોમેન્ટ્સ જોડીને શેર કરતો હતો અને જાહેરમાં છેડતી કરી હેરાનગતિ કરતો હતો. જ્યારે પરિણીતાએ તેને આ કૃત્ય કરવાની ના પાડી ત્યારે તે ઉશ્કેરાઈ ગયો હતો અને ધમકી આપી હતી કે જો આ બાબતે કોઈને જાણ કરીશ કે ફરિયાદ કરીશ તો તને, તારા પતિ તેમજ બાળકોને જાનથી મારી નાખીશ. આ ખુલ્લી ધમકીથી પરિવાર ભયના સાયા હેઠળ જીવતો હતો.
દરમિયાન, ગઈકાલે પણ હાર્દિકે સોસાયટીના વોટ્સએપ ગ્રુપમાં બપોરના સમયે ફરીથી ખરાબ કોમેન્ટ્સ કરી હતી. પાડોશી દ્વારા કરવામાં આવતી આ અસહ્ય પજવણી અને જાનથી મારી નાખવાની ધમકીઓથી ત્રસ્ત થઈને આખરે પરિણીતાએ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં આરોપી હાર્દિક મહેશભાઈ પોપટ વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. પરિણીતાની ફરિયાદના આધારે પ્ર.નગર પોલીસે આરોપી સામે સતામણી કરવા, બદનામ કરવા અને ધમકી આપવા બદલ ગુનો નોંધીને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.
