રાજકોટ જીલ્લામાં નશીલા અને માદક પદાર્થોના ગેરકાયદેસર વેચાણ સામે કાર્યવાહી કરવા પોલીસ અધિકારીઓની સુચનને પગલે એસઓજીની ટીમે ઉપલેટાના એક ગોડાઉનમાં દરોડો પાડી ત્યાંથી રૂૂ.4 લાખની કીમતની 2520 બોટલ આયુર્વેદિક સીરપના ઓથ હેઠળ ચાલતા નશાકારક પ્રવાહીના મોટો જથ્થા સાથે વેપારીને દબોચી લીધો છે.
મળતી વિગતો અનુસાર, એસ.ઓ.જી. શાખાના પીએસઆઈ જી.જે.ઝાલા અને તેમની ટીમ ઉપલેટા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન મહત્વની હકીકત મળી હતી કે ઉપલેટા પોલીસ લાઇન પાછળ રહેતો દિવ્યેશ માલદેભાઇ કનારા પોતાના કબજા ભોગવટાવાળા ગોડાઉનમાં આયુર્વેદિક પ્રોડક્ટના નામે નશાકારક સીરપનો જથ્થો રાખીને તેનું વેચાણ કરી રહ્યો છે.
બાતમીના આધારે એસઓજી ની ટીમે ગોડાઉન પર દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ગોડાઉનની અંદરથી ’ગ્રીન એનર્જી અશ્વ, સેફ ઇફેક્ટીવ હર્બલ ટોનિક’ નામની આયુર્વેદિક નશાકારક પ્રવાહીની કુલ 2520 બોટલો મળી આવી હતી. આ જથ્થા અંગે પૂછપરછ કરતા આરોપી પાસે કોઈ કાયદેસરનું બિલ કે આધાર-પુરાવા મળી આવ્યા ન હતા, જેથી પોલીસે સમગ્ર જથ્થો કબ્જે કર્યો હતો. રૂૂ.4.03 લાખની નશાકારક સીરપ 2520 બોટલ તેમજ રૂૂ.1 લાખનું માલની હેરફેર માટે વપરાતું ટાટા છોટા હાથી નંબર જીજે-03-એવી-8060 મળી કુલ રૂૂ. 5,03,200નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પકડાયેલ 35 વર્ષીય આરોપી દિવ્યેશ આહીર ઉપલેટાનો જ વતની છે. પ્રારંભિક તપાસમાં સામે આવ્યું છે કે આ નશાકારક સીરપનું ઉત્પાદન હરિયાણાના બરવાળા સ્થિત ’હરકેશવ આયુર્વેદ’ નામની કંપની દ્વારા કરવામાં આવ્યું છે.
સમગ્ર મામલે પોલીસે કાયદેસરની ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. હરિયાણાથી આ જથ્થો કોના મારફતે મંગાવવામાં આવ્યો હતો અને સ્થાનિક સ્તરે આ સીરપ કોને કોને સપ્લાય કરવામાં આવતી હતી તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાય અને રાજકોટ જીલ્લા પોલીસ અધીક્ષક વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ એસઓજીના પી.આઈ. એફ.એ. પારગી, પી.એસ.આઈ. જી.જે. ઝાલા, પી.એસ.આઈ. પી.બી. મિશ્રા, એ.એસ.આઈ. પરબતભાઇ શામળા, ફિરોજભાઇ બ્લોચ તેમજ પોલીસ કોન્સ્ટેબલ ચિરાગભાઇ, રઘુભાઇ, નિર્મળસિંહ, કલ્પેશભાઇ અને નવદીપભાઇ સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.
