રાજકોટમાં રહેતો યુવાન પડધરી રહેતા સાળાની જાનમાં વાંકાનેરના તીથવા ગામે ગયો હતો. ત્યારે યુવકને હૃદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. યુવકનુ મોત નીપજતા પરિવારમાં લગ્નનો માહોલ માતમાં ફેરવાયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં આવેલા પોપટપરા વિસ્તારમાં રહેતો પ્રવિણ દિનેશભાઇ સોલંકી નામનો 27 વર્ષનો યુવાન ગઇકાલે બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં વાંકાનેરના તીથવા ગામે હતો ત્યારે હૃદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો. યુવકને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જયા તેનુ મોત નીપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઇ જવા પામી હતી.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક યુવાન બે ભાઇ પાંચ બહેનમાં વચેટ અને શાકભાજીનો ધંધો કરતો હતો. મૃતક યુવકને સંતાનમાં એક પુત્રી છે. પ્રવિણ સોલંકીના પડધરી રહેતા સાળાની ગઇકાલે તીથવા ગામે જાન ગઇ હતી. પ્રવિણ સોલંકી સાળાની જાનમાં ગયો હતો. જયા તેનુ હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યુ હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
