આર્જેન્ટિનાને કચડી સ્પેન બીજીવાર વિશ્ર્વ ચેમ્પિયન

ફિફા વર્લ્ડકપનાં ફાઇનલમાં કેરાન ટોરેસે એકસ્ટ્રા ટાઇમમાં ગોલ ફટકારી તોડયું મેસ્સીનું સ્વપ્ન સ્પેને શાનદાર રમતનું પ્રદર્શન કરતા ફિફા વર્લ્ડ કપ 2026ની ટ્રોફી પોતાના નામે કરી.…

ફિફા વર્લ્ડકપનાં ફાઇનલમાં કેરાન ટોરેસે એકસ્ટ્રા ટાઇમમાં ગોલ ફટકારી તોડયું મેસ્સીનું સ્વપ્ન

સ્પેને શાનદાર રમતનું પ્રદર્શન કરતા ફિફા વર્લ્ડ કપ 2026ની ટ્રોફી પોતાના નામે કરી. 19 જુલાઈ રવિવારે ન્યૂ જર્સીના મેટલાઈફ સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલમાં સ્પેને ગત ચેમ્પિયન આર્જેન્ટીનાને 1-0થી હરાવી દીધુ. નિર્ધારિત સમય સુધી બંને ટીમોમાંથી કોઈ ગોલ કરી શકી નહીં અને સ્કોર 0-0 પર હતો. આવામાં મુકાબલો એકસ્ટ્રા ટાઈમમાં ગયો. જ્યાં સ્પેનીશ ટીમે જીત મેળવી. 106મી મિનિટમાં સબસ્ટીટ્યૂટ પ્લેયર ફેરાન ટોરેસે સ્પેન માટે શાનદાર ગોલ કર્યો. ટોરેસને એક અન્ય સબસ્ટીટ્યૂટ ખેલાડી નિકો વિલિયમ્સે પાસ આપ્યો, જેના પર ગોલ કરવામાં તે સફળ રહ્યો.

સ્પેને બીજીવાર ફિફા વર્લ્ડ કપ જીત્યો છે. આ અગાઉ 2010માં પણ આ ટીમ ચેમ્પિયન બની હતી. જ્યારે આર્જેન્ટીનાની ટીમ ચોથીવાર વર્લ્ડ કપ જીતવાનું સપનું પૂરું કરી શકી નહીં. આર્જેન્ટીનાની ટીમ ઈટાલી અને બ્રાઝિલ જેવું કારનામું કરી શકી નહીં. જેમણે બેક ટુ બેક ટાઈટલ જીત્યા હતા. ઈટાલીએ 1934 અને 1938માં ટ્રોફી જીતી હતી. જ્યારે બ્રાઝિલની ટીમે 1958 અને 1962માં ખિતાબ જીત્યો હતો. ફાઈનલમાં આર્જેન્ટીનાના કેપ્ટન લિયોનેલ મેસ્સીનો જાદુ બિલકુલ ચાલ્યો નહીં.

મેચનો પહેલો હાફ ખુબ કટોકટ રહ્યો. જેમાં એક પણ ગોલ થયો નહીં. પહેલા હાફમાં સ્પેનીશ ટીમે વધુ એટેકિંગ ખેલ દેખાડ્યો. તેણે બે અવસરે શોટ ઓન ટાર્ગેટ રાખ્યો. બીજી બાજુ આર્જેન્ટીના તરફથી એક પણ શોટ લેવાયો નહીં. પહેલા હાફમાં બોલ પઝેશન પણ 65 ટકા સ્પેનીશ ટીમની તરફેણમાં રહ્યો. આર્જેન્ટીનાની ટીમના કેપ્ટન લિયોનેલ મેસ્સીને સ્પેનીશ ખેલાડીઓએ માર્ક કરીને રાખ્યા હતા જેના કારણે તેઓ કશું કરી શક્યા નહીં.
બીજી બાજુ લૈમિન યામાલ પણ કમાલ કરી શક્યો નહીં. પહેલા હાફમાં આર્જેન્ટીનાના ડિફેન્ડર લિસાંડ્રો માર્ટિનેટને યલ્લો કાર્ડ મળ્યું. જો કે તે થોડીવાર પછી ઈજાગ્રસ્ત થઈ ગયો અને તેને સબસ્ટીટ્યૂટ કરી દેવાયો. લિસાંડ્રો માર્ટિનેઝની જગ્યા નિકોલસ ઓટામેન્ડી મેદાનમાં ઉતર્યો હતો.

બીજા હાફમાં પણ સ્પેનીશ ટીમનો દબદબો રહ્યો અને તેણે 68 ટકા બોલ પઝેશન પોતાની પાસે રાખ્યું. એ વાત અલગ હતી કે ટીમે કોઈ ગોલ કર્યો નહીં. 8 વખત એવું બન્યું કે સ્પેનીશ ટીમ ગોલ પોસ્ટ પર સટીક નિશાન લગાવવામાં સફળ રહી હતી પરંતુ આ તમામ પ્રહારોને આર્જેન્ટીનાના ગોલકીપર એમિલિયાનો માર્ટિનેઝે સફળતાપૂર્વક બચાવ્યા. આર્જેન્ટીનાની ટીમ બીજા હાફમાં એક પણ શોટ ટાર્ગેટ પર મારી શકી નહીં.
બીજા હાફના ઈન્જરી ટાઈમમાં આર્જેન્ટીનાને મોટો ઝટકો મળ્યો. જ્યારે મેચમાં બીજીવાર યલ્લો કાર્ડ મેળવવાના કારણે એન્જો ફ્રર્નાન્ડીઝે મેદાન છોડવું પડ્યું.

આર્જેન્ટિનાના ખેલાડી પરેડેસનો સ્પેનના ખેલાડીઓ પર હુમલો
ફિફા વર્લ્ડ કપ ફાઇનલમાં સ્પેને આર્જેન્ટિનાને હરાવીને ટાઇટલ પોતાના નામે કર્યું હતું. જોકે, આખરી સીટી વાગતાં જ સ્પેનના ખેલાડીઓ જ્યારે ઐતિહાસિક જીતની ઉજવણી કરી રહ્યા હતા, ત્યારે મેદાન પર ભારે હંગામો મચી ગયો હતો. આર્જેન્ટિનાના ખેલાડી પરેડેસે સીધા સ્પેનના ડિફેન્ડર એરિક ગાર્સિયા પાસે જઈને બહાસ શરૂૂ કરી દીધી હતી. જોતજોતામાં મામલો એટલો વણસી ગયો કે પરેડેસે ગાર્સિયાને બે વાર મુક્કા મારી દીધા હતા.
સ્થિતિ થાળે પાડવા માટે સ્પેનના મિડફીલ્ડર ગાવીએ વચ્ચે આવીને બંને ખેલાડીઓને અલગ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પરેડેસનો ગુસ્સો શાંત થયો નહોતો અને તેણે ગાવી તરફ પણ હાથ ઉપાડ્યો હતો, જે તેના ચહેરા પર વાગ્યો હતો. ત્યારબાદ આર્જેન્ટિનાના ખેલાડી થિયાગો અલમાડા અને બંને ટીમોના અન્ય સભ્યો તથા અધિકારીઓ ત્વરિત ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને અલમાડાએ ગાવીને પાછળ ધકેલીને મામલો વધુ બિચકતો અટકાવ્યો હતો.

હાર છતાય આર્જેન્ટિનાના ચાહકોએ ગીત ગાતા લિયોનેસ મેસ્સી રડી પડયો
હાર છતાં, સ્ટેડિયમમાં હાજર અસંખ્ય આર્જેન્ટિનાના ચાહકોએ ગીતો ગાતા મેસ્સી અને ટીમને પ્રોત્સાહન આપ્યું. આનાથી મેસ્સી ભાવનાત્મક રીતે થંભી ગયો અને તે રડી પડ્યો. આ ક્ષણ જોઈને સમગ્ર ફૂટબોલ જગત ભાવુક થઈ ગયું હતું. એવી અટકળો છે કે આ મેસ્સીનો છેલ્લો વર્લ્ડ કપ હતો. આ સ્ટાર ખેલાડી ટ્રોફી સાથે વિદાય લેવા માંગતો હતો, પરંતુ સ્પેને તેને ફેલ બનાવી દીધો. મેચની 106મી મિનિટે, ફેરન ટોરેસે મેચનો એકમાત્ર ગોલ કર્યો, જે વિજયી ગોલ સાબિત થયો. આ ગોલ મેસ્સી માટે એક ઊંડો ઘા છોડી ગયો, જેને તે ક્યારેય ભૂલી શકશે નહીં. મેસ્સી ફાઇનલમાં અસરકારક પ્રદર્શન કરી શક્યો ન હતો, લક્ષ્ય પર એક પણ શોટ ફટકારવામાં નિષ્ફળ ગયો. તેના નબળા પ્રદર્શન છતાં, સ્ટેડિયમમાં હાજર હજારો મેસ્સી ચાહકોએ ઉભા થઈને તાળીઓ પાડી અને તેના માટે ગીતો ગાયા. હાર છતાં, ચાહકોનો પ્રેમ જોઈને, મેસ્સી ભાવુક થઈ ગયો અને રડી પડ્યો.

કિલિયન એમ્બાપ્પે વર્લ્ડ કપમાં બે વખત ગોલ્ડન બૂટ ખિતાબ જીતનાર દુનિયાનો પહેલો ખેલાડી
ફીફા વર્લ્ડ કપ 2026 નો ગોલ્ડન બૂટનો ખિતાબ ફ્રાંસના સ્ટ્રાઈકર કિલિયન એમ્બાપ્પેએ પોતાના નામ કર્યો છે. કિલિયન એમ્બાપ્પેએ આ વખતના વર્લ્ડ કપમાં પોતાના નામે નવો ઈતિહાસ રચી દીધો છે. કિલિયન એમ્બાપ્પે દુનિયાનો પહેલો ખેલાડી બની ગયો છે જેણે વર્લ્ડ કપમાં બીજીવાર ગોલ્ડન બૂટ એવોર્ડ જીત્યો હતો. વર્લ્ડ કપ 2026 પહેલા 2022 માં પણ કિલિયન એમ્બાપ્પેને ગોલ્ડન બૂટ એવોર્ડ મેળવ્યો હતો.
કિલિયન એમ્બાપ્પે ફ્રાંસના સ્ટાર સ્ટ્રાઈકર છે. 27 વર્ષીય કિલિયન એમ્બાપ્પે પુરુષ ફીફા વર્લ્ડ કપમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી છે. તેમણે 22 ગોલ કર્યા છે. કિલિયન એમ્બાપ્પે લિયોનલ મેસી કરતાં પણ આગળ છે. મેસીના નામે 21 ગોલ છે.

એવોર્ડ વિતરણ સમારોહમાં પ્રમુખ ટ્રમ્પની મજાક ઉડી
વર્લ્ડ કપ ટ્રોફી સમારંભ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ભીડ તરફથી ગુસ્સાથી મજાકનો સામનો કરવો પડ્યો. કારણ કે, ગ્રુપ-સ્ટેજ મેચ દરમિયાન, તેમણે ફીફા વડાને રેફરીના નિર્ણય પર સવાલ ઉઠાવવા માટે બોલાવ્યા હતા.
ફીફા પુરુષોના ફૂટબોલ વર્લ્ડ કપ ફાઇનલ નોંધપાત્ર નાટક સાથે સમાપ્ત થઈ. ન્યૂ યોર્ક-ન્યૂ જર્સી સ્ટેડિયમમાં ટ્રોફી સમારંભ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ભીડ તરફથી ગુસ્સાથી મજાકનો સામનો કરવો પડ્યો; પ્રેક્ષકોએ હતાશાના અવાજો સાથે તેમનું સ્વાગત કર્યું. સ્પેને ફીફા વર્લ્ડ કપની આ આવૃત્તિમાં આર્જેન્ટિનાને હરાવીને ટાઇટલનો દાવો કર્યો. ટ્રમ્પ અને ફીફા વડા ગિયાની ઇન્ફન્ટિનો ખેલાડીઓનું સન્માન કરવા મેદાન પર ઉતર્યા, ત્યારે ભીડ ગુસ્સાથી મજાક કરવા લાગી. જોકે, આ મજાક લાંબો સમય ટકી ન હતી. રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ઇન્ફન્ટિનોએ ફાઇનલિસ્ટ ટીમોના ખેલાડીઓ અને કોચને મેડલ આપવાનું શરૂૂ કર્યું ત્યાં સુધીમાં, ભીડનો ગુસ્સો શાંત થઈ ગયો હતો, અને મજાક સંપૂર્ણપણે બંધ થઈ ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *