જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટા ભાડુકિયા ગામમાં કોઈપણ પ્રકારની મેડિકલ ડિગ્રી વિના ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવતા એક શખ્સને કાલાવડ ગ્રામ્ય પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જામનગર જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની તેમજ જામનગર ગ્રામ્ય વિભાગના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક વી.કે. પંડ્યાના માર્ગદર્શન હેઠળ બોગસ ડોક્ટરો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તે અંતર્ગત કાલાવડ ગ્રામ્ય પોલીસ ઇન્સ્પેક્ટર એન.વી. આંબલિયાના માર્ગદર્શન હેઠળ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે મોટા ભાડુકિયા ગામમાં પ્રવીણભાઈ હીરપરા કોઈપણ પ્રકારની મેડિકલ ડિગ્રી વગર ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવે છે.
આ બાતમીના આધારે નીકાવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ફાર્માસિસ્ટ મોહનલાલ માવજીભાઈ ઠેસિયાની હાજરીમાં પોલીસે સ્થળ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પ્રવીણભાઈ પરસોતમભાઈ હીરપરા (ઉ.વ.50), રહે. મોટા ભાડુકિયા, તા. કાલાવડ, જી. જામનગર પાસે અલગ-અલગ કંપનીની એલોપેથી દવાઓ, મેડિકલ સાધનો અને રોકડ મળી કુલ રૂૂપિયા 17,986નો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ અંગે કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 125 તેમજ મેડિકલ પ્રેક્ટિશનર્સ એક્ટ, 1963ની કલમ 30 અને 33 મુજબ ગુનો નોંધી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
