શહેરમાં રામપીર ચોકડી પાસે શાસ્ત્રીનગરમાં રાત્રિના સમયે શ્રમિક યુવાન દારૂૂના નશામાં પોતાના ઘરની છત પર બેસીને મોબાઈલ ફોનમાં વાત કરતો હતો. ત્યારે અકસ્માતે નીચે ગબડી પડ્યો હતો. યુવકને માથાના ભાગે પગથિયું લાગતા યુવાનનું મોત નીપજ્યું હતું. યુવકના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ દોઢ સો ફૂટ રીંગ રોડ પર રામાપીર ચોકડી પાસે વીર હનુમાન ચોક શાસ્ત્રીનગર શેરી નંબર 7 માં રહેતો 18 વર્ષીય રાજ ગોવિંદભાઈ શાહ રાત્રે પોતાના મકાનની છત પર હતો. ત્યારે રાત્રીના સાડા અગિયારેક વાગ્યાની આસપાસ છતની પાળી ઉપર બેસીને મોબાઈલ ફોનમાં કોઈની સાથે વાત કરી રહ્યો હતો. તે દરમિયાન અચાનક જ તે નીચે પટકાયો હતો. યુવકને ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, માથાના ભાગે થયેલી ઈજા જીવલેણ સાબિત થઈ અને ટૂંકી સારવાર દરમિયાન જ રાજનું મોત નીપજ્યું હતું. યુવાનના મોતથી પરિવારમાં અરેરાટી સાથે કરુણ કલ્પાંત સર્જાયો હતો.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક યુવક રાજ મૂળ ઉત્તર પ્રદેશનો વતની હતો. તે રોજગારી અર્થે છેલ્લા ત્રણ વર્ષથી રાજકોટમાં રહેતો હતો અને ફર્નિચર બનાવવાનું કામ કરતો હતો. પરિવારમાં તે બે ભાઈઓ અને બે બહેનોમાં સૌથી નાનો હતો. રાજ રાત્રીના સમયે દારૂૂના નશામાં મોબાઈલમાં વાત કરતી વખતે નીચે પટકાતા મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે યુનિવર્સીટી પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
