અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડિયા ગ્રામપંચાયત પાછળ સુરવો નદી કિનારે આવેલો ઢૂંઢિયાપીપળીયા તરફ જતો આરસીસી રોડ જેને ભ્રષ્ટાચારનો બેનમૂન નમૂનો માનવામાં આવે છે. આ કામગીરી થોડા વર્ષ પેહલા કોઈ એજન્સી દ્વારા કરવામાં આવી હતી જે તે સમયે આ રોડના નબળી ગુણવતાના કામ બાબતે સ્થાનિકો અને સરપંચ દ્વારા ગંભીર આક્ષેપો સાથે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા તેના વિડીયો પણ સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા હતા ત્યાર બાદ નેતાઓ અને અધિકારીઓ એ આ રોડની મુલાકાત લઇ તપાસની ખાત્રી પણ અપાઈ હોવાનુ જાણવા મળ્યું હતુ પરંતુ વિરોધો અને તપાસ વચ્ચે ભ્રષ્ટાચાર કોઈ અધિકારી કે નેતાઓને દેખાયો નહિને પેમેન્ટ પણ જે તે એજન્સીને કરી દેવામાં આવ્યુ. હાલ આ રોડ બન્યાના થોડા સમયમાં જ બિસ્માર હાલતમાં બન્યો છે.
આ રોડ પરથી કૃષ્ણપરા, હનુમાન ખીજડીયા તારફ જવાના વણાંકમાં ગોઠણ સમા ખાડાઓ પડ્યા છે અને આ ખાડાઓમાં લોખંડના સળિયાઓ જાણે કોઈ નિર્દોષના ભોગની રાહ જોતા હોય તેમ કોબ્રા સાપની ફેણની જેમ ડંખ મારી ટાયર કે પગમાં ઘુસવા તૈયાર બેઠા છે. ત્યારે આ ખાડાઓ અને સળિયાઓ બાબતે કુંભકર્ણ નિદ્રામાં સુતેલા તંત્રને જાગીને હવે જો આ રસ્તો ગેરંટી પિરિયડમાં હોય તો તે કોન્ટ્રાકટર પર પગલા લઇ આ રસ્તાને ફરી બનાવવો જોઈએ અન્યથા આ રસ્તો રીપેરીંગ કરવો અત્યંત આવશ્યક છે. હાલ તો આ ભ્રષ્ટાચાર પર થયેલા ઢાક પીછોડાના કારણે વડિયા વાસીઓ હાલાકી ભોગવવા સાથે જીવના જોખમે આ રસ્તા પરથી પસાર થઇ રહ્યા છે ત્યારે આ બાબતે તંત્ર ક્યારે જાગશે તે તો આવનારો સમય જ બતાવશે.
