રાજકોટ પંથકમાં રખડતા ઢોરના કારણે બે સ્થળે અકસ્માત; વેપારી યુવાનનું મોત

શાપર પાસે આખલો આડો ઉતરતા યુવાનેે અને મહિકા પાસે ગાય રસ્તામાં આવી ચડતા આધેડે ડ્રાઇવિંગ પરનો કાબૂ ગુમાવ્યો’તો રાજકોટ પંથકમાં રખડતા ઢોરના કારણે અવાર નવાર…

શાપર પાસે આખલો આડો ઉતરતા યુવાનેે અને મહિકા પાસે ગાય રસ્તામાં આવી ચડતા આધેડે ડ્રાઇવિંગ પરનો કાબૂ ગુમાવ્યો’તો

રાજકોટ પંથકમાં રખડતા ઢોરના કારણે અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટના પ્રકાશમાં આવી છે. ત્યારે વધુ બે બનાવમાં શાપર પાસે આખલો આડો ઉતરતા મોવીયાના યુવાન અને મહિકા પાસે ગાય રસ્તામાં આવી ચડતા આધેડે ડ્રાઇવિંગ પરનો કાબુ ગુમાવતા બાઇક સ્લીપ થયા હતા. જે અકસ્માતમાં ઘવાયેલા મોવીયાના યુવકનુ મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. જયારે આધેડને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ગોંડલના મોવીયા ગામે રહેતો રવિ અરવિંદભાઇ ચાંગેલા નામનો 34 વર્ષનો યુવાન ગત તા.5ના રોજ રાત્રીના નવેક વાગ્યાના અરસામાં પોતાનુ ઇલેકટ્રીક બાઇક લઇ રાજકોટથી મોવીયા જઇ રહ્યો હતો. ત્યારે શાપર નજીક પારડીના પુલ પાસે અચાનક રસ્તામાં આખલો ધસી આવતા રવિ ચાંગેલાએ ડ્રાઇવિંગ પરનો કાબુ ગુમાવતા બાઇક સ્લીપ થયુ હતું. જે બાઇક અકસ્માતમાં ઘવાયેલા યુવાને સારવારમાં દમ તોડતા પરિવાર શોકમાં ગરકાવઇ થઇ ગયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક યુવાનને સંતાનમાં એક પુત્રી છે. મૃતક રવિ ચાંગેલા રાજકોટમાં કપડાની દુકાન ધરાવતો હતો. દુકાનેથી પરત ફરી રહ્યો હતો. ત્યારે અકસ્માત સર્જાયો હોવાનુ જાણવા મળ્યુ છે.

આ ઉપરાંત બીજા બનાવમાં રાજકોટમાં મહિકા ગામે રહેતા રાજુભાઇ લાખાભાઇ અણીયારા (ઉ.વ.50) રાત્રીના દસેક વાગ્યાના અરસામાં મહિકા ગામથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે અચાનક રસ્તામાં ગાય આડી ઉતરતા બાઇક સ્લીપ થયુ હતું. જે અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા આધેડને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *