લાલપુરના મેઘપરમાં પાર્કિંગ પ્રશ્ર્ને હિંસક અથડામણ

વાહન સાઇડમાં પાર્ક કરવા થયેલી બોલાચાલીમાં ક્ષત્રિય સમાજના બે જૂથ પાઇપ, બેટ, ભાલા જેવા હથિયારો સાથે એકબીજા ઉપર તૂટી પડ્યા જામનગર તાલુકાના મેઘપર ગામમાં વાહનો…

વાહન સાઇડમાં પાર્ક કરવા થયેલી બોલાચાલીમાં ક્ષત્રિય સમાજના બે જૂથ પાઇપ, બેટ, ભાલા જેવા હથિયારો સાથે એકબીજા ઉપર તૂટી પડ્યા

જામનગર તાલુકાના મેઘપર ગામમાં વાહનો સાઇડમાં રાખવાની બાબતે શરૂૂ થયેલી સામાન્ય બોલાચાલી બાદ બે જૂથો વચ્ચે હિંસક અથડામણ સર્જાતાં બંને પક્ષના અનેક લોકોને ઇજાઓ પહોંચી હતી.બનાવ અંગે બંને પક્ષોએ એકબીજા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ક્રોસ કેસ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
તા.27 જૂન, 2026ની રાત્રે મેઘપર ગામમાં બાપાસીતારામની મઢુલી નજીક વાહનો ઉભા રાખવાની બાબતે પ્રભાનસિંહ રામસંગજી કંચવા અને યશપાલસિંહ દિલીપસિંહ રાઠોડ વચ્ચે બોલાચાલી થઈ હતી. શરૂૂઆતમાં સામાન્ય તકરાર રહેલી આ ઘટના બાદ બંને પક્ષો વચ્ચે તણાવ વધ્યો હતો અને મામલો મારામારી સુધી પહોંચ્યો હતો.

પ્રભાનસિંહ કંચવાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ પોતાની યુ.પી. ઢાબા હોટલ બંધ કરી બુલેટ મોટરસાયકલ પર ઘરે પરત ફરી રહ્યા હતા. રસ્તાની વચ્ચે મારુતિ કાર અને બે એક્ટિવા ઉભી હોવાથી તેમણે વાહનો સાઇડમાં રાખવા જણાવ્યું હતું. આ મુદ્દે સંદીપસિંહ અને યશપાલસિંહ રાઠોડ સાથે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ આરોપીઓએ અન્ય લોકોને બોલાવી પાઇપ, બેટ અને ભાલા જેવા હથિયારો સાથે તેમના ઘર પાસે પહોંચી હુમલો કર્યો હતો. હુમલામાં પ્રભાનસિંહને જમણા પગમાં ઇજા પહોંચી હતી તેમજ પરિવારના અન્ય સભ્યો સાથે પણ મારામારી કરવામાં આવી હતી. ઉપરાંત તેમની બુલેટ મોટરસાયકલમાં પણ તોડફોડ કરવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

સામાપક્ષે યશપાલસિંહ રાઠોડે નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ અને તેમના ભાઈ સંદીપસિંહ રાઠોડ ગામમાં ઉભા હતા ત્યારે પ્રભાનસિંહ કંચવા ત્યાં આવી વાહન હટાવવા બાબતે ઉશ્કેરાઈ ગયા હતા અને ધમકી આપી સ્થળેથી નીકળી ગયા હતા. ત્યારબાદ રાત્રે પ્રભાનસિંહ પોતાના પરિવારજનો અને સાથીઓ સાથે પાઇપ, ધારિયા અને ધોકા જેવા હથિયારો લઈને તેમના ઘર પાસે આવ્યા હતા અને હુમલો કર્યો હતો. આ હુમલામાં સંદીપસિંહ રાઠોડ, પૃથ્વીરાજસિંહ રાઠોડ, પાર્થરાજસિંહ ઉર્ફે પ્રિન્સ, મહાવીરસિંહ કંચવા અને ચિરાગસિંહ પિંગળ સહિતના લોકોને ઇજાઓ પહોંચી હતી. કેટલાક ઇજાગ્રસ્તોને માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આ સમગ્ર ઘટનામાં બંને પક્ષોની ફરિયાદોના આધારે પોલીસે અલગ-અલગ ગુના નોંધ્યા છે. પોલીસે બંને ફરિયાદોના આધારે પુરાવાઓ એકત્ર કરવાની અને સાક્ષીઓના નિવેદનો લેવાની કાર્યવાહી શરૂૂ કરી છે. પોલીસ દ્વારા ઘટનાસ્થળની તપાસ, ઇજાગ્રસ્તોના તબીબી અહેવાલો અને અન્ય પુરાવાઓના આધારે સમગ્ર મામલાની તટસ્થ તપાસ હાથ ધરવામાં આવી છે. બંને પક્ષોએ એકબીજા પર ગંભીર આક્ષેપો કર્યા હોવાથી તપાસ બાદ જ ઘટનાની સાચી હકીકત સ્પષ્ટ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *