રાજ્યની મુખ્ય ભરતી સંસ્થા ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) લગભગ ખાલી પડી ગયું છે અને તેની સીધી અસર સરકારી નોકરીઓની પ્રક્રિયા પર પડી રહી છે. વિધાનસભામાં પાટણના ધારાસભ્ય ડો. કિરીટકુમાર ચીમનલાલ પટેલના તારાંકિત પ્રશ્નના જવાબમાં મુખ્યમંત્રી (સામાન્ય વહીવટ) તરફથી જણાવવામાં આવ્યું છે કે તા. 31 જુલાઈ 2026ની સ્થિતિએ આયોગની મંજૂર સભ્ય સંખ્યા 7 પૈકી 6 જગ્યાઓ ખાલી છે.ખાલી જગ્યાઓ ભરવાની બાબત કયા તબક્કે છે તે પૂછતાં સરકારે માત્ર એટલું જ કહ્યું કે, વિચારણાધીન છે. છેલ્લા એક વર્ષમાં કેટલી દરખાસ્તો તૈયાર થઈ તે અંગે જવાબ આપવામાં આવ્યો કે GPSC Conditions of Service) Regulations 1960માં આ બાબતે જોગવાઈ નથી. તમામ ખાલી જગ્યાઓ ક્યારે ભરાશે તેની તારીખ પણ નથી. માત્ર એટલું લખ્યું છે કે, વિચારણા પૂર્ણ થશે.
GPSC વર્ગ-1 અને વર્ગ-2ની મોટી ભરતીઓ, લેખિત પરીક્ષા પછીની મુલાકાત અને અંતિમ પસંદગીનું કામ સંભાળે છે. સભ્યો ઓછા હોય તો ઇન્ટરવ્યૂ બોર્ડ બેસી શકતા નથી અને પસંદગી યાદી અટકી જાય છે. પરિણામે હજારો ઉમેદવારો મહિનાઓ-વર્ષો સુધી રાહ જોવા મજબૂર બને છે. જાહેરાત થઈ ગયા પછી પણ નિમણૂકપત્ર મળતા વિલંબ થાય છે, વિભાગોમાં ખાલી પડેલી અધિકારી જગ્યાઓ ભરાતી નથી અને વહીવટી કામગીરી પર અસર પડે છે.
ફેબ્રુઆરી 2026માં પણ સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું હતું કે કેટલીક સભ્ય જગ્યાઓ વર્ષોથી ખાલી છે. છ મહિના પછી પણ સ્થિતિ યથાવત છે. સભ્યો નહીં ભરાય ત્યાં સુધી GPSCની ભરતી પ્રક્રિયા ધીમી રહેશે અને યુવાનોની સરકારી નોકરીની રાહ લંબાશેએ સવાલ હવે વધુ તીવ્ર બન્યો છે.
