“સામે કેમ જુએ છે” તેમ કહી પડોશીએ યુવક પર લાકડી વડે હુમલો કર્યો: હાથમાં 8 ટાંકા આવ્યા

રાજકોટ શહેરમાં ન્યુ 150 ફૂટ રિંગ રોડ પર આવેલા પરશુરામ મંદિર નજીક ચારણના નેસડા વિસ્તારમા પોતાના ઘર આંગણે ખુલ્લી જગ્યામાં ન્હાઈ રહેલા એક 28 વર્ષીય…

રાજકોટ શહેરમાં ન્યુ 150 ફૂટ રિંગ રોડ પર આવેલા પરશુરામ મંદિર નજીક ચારણના નેસડા વિસ્તારમા પોતાના ઘર આંગણે ખુલ્લી જગ્યામાં ન્હાઈ રહેલા એક 28 વર્ષીય યુવક સામે પડોશમાં જ રહેતા એક શખ્સે મોટરસાયકલ ઊભું રાખી “તું મારી સામે કેમ જુએ છે?” તેમ કહીને ઉગ્ર બોલાચાલી કરી હતી.આ સામાન્ય તકરારમાં આરોપીએ ઉશ્કેરાઈને યુવક પર લાકડી વડે હુમલો કરી તેને માથાના ભાગે તથા હાથમાં ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે ગાંધીગ્રામ-2 (યુનિવર્સિટી) પોલીસ સ્ટેશનમાં વિધિવત રીતે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ા ચકચારી ઘટના અંગેની વિગતો મુજબ, પરશુરામ મંદિરની બાજુમાં આવેલા ચારણના નેસડામાં રહેતા અને છૂટક ડ્રાઇવિંગનું કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા અજમલભાઈ ઉનળભાઈ માલાણી (ઉં.વ. 28) એ ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ગઈ તારીખ 26 જૂન 2026ના રોજ રાત્રિના આશરે સાડા દસ વાગ્યાની આસપાસ ફરિયાદી અજમલભાઈ પોતાના ઘર પાસે આવેલી નેસડાની ખુલ્લી જગ્યામાં રાખેલા પાણીના કેરબામાંથી પાણી લઈને ન્હાઈ રહ્યા હતા. આ સમયે તેમની પડોશમાં જ રહેતો ગોપાલભાઈ વાલાભાઈ બામ્બા નામનો શખ્સ પોતાનું મોટરસાયકલ લઈને ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. ગોપાલે અજમલભાઈ ન્હાતા હતા તેની થોડે આગળ પોતાનું વાહન ઊભું રાખ્યું હતું અને એકદમ ઉશ્કેરાઈને અજમલભાઈને પૂછ્યું હતું કે, “તું મારી સામે શું જોવે છે?” જેની સામે અજમલભાઈએ શાંતિપૂર્વક જણાવ્યું હતું કે તેઓ તેની સામે જોઈ રહ્યા નથી.

અજમલભાઈના ખુલાસાથી સંતોષ ન પામતા આરોપી ગોપાલ એકદમ ક્રોધિત થઈ ગયો હતો અને ફરિયાદીને બિભત્સ ગાળો આપવા લાગ્યો હતો. અજમલભાઈએ તેને ગાળો ન બોલવા માટે વિનંતી કરતા આરોપી વધુ ઉશ્કેરાયો હતો અને નજીકમાં જ પડેલી લાકડી લઈને અજમલભાઈ પર તૂટી પડ્યો હતો. આરોપી ગોપાલે લાકડી વડે અજમલભાઈના માથાના ભાગે એક આકરો ઘા માર્યો હતો, જેનાથી તેમને માથામાં ગંભીર ઇજા થઈ હતી.

ત્યારબાદ આરોપીએ લાકડીનો બીજો ઘા જમણા હાથની હથેળીના ભાગે મારતા અજમલભાઈ લોહીલુહાણ થઈ ગયા હતા. આ ઝઘડાનો અવાજ સાંભળીને ફરિયાદીના પિતરાઈ ભાઈ કરણભાઈ સાદુરભાઈ લખાણી તાત્કાલિક ત્યાં દોડી આવ્યા હતા, જેથી આરોપી ગોપાલ બામ્બા પોતાનું મોટરસાયકલ લઈને ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો. કરણભાઈએ લોહીલુહાણ હાલતમાં અજમલભાઈને રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યા હતા,જ્યાં ફરજ પરના તબીબોએ હથેળીના ભાગે આઠ ટાંકા લીધા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *