શાપરના દરબારગઢમાં થોડા દિવસો પહેલાં થયેલી અઢી કરોડ રૂૂપિયાની ધાડના ચકચારી બનાવમાં પોલીસને મોટી સફળતા સાંપડી છે. જિલ્લા પોલીસની અલગ અલગ ટીમે મધ્યપ્રદેશના ધાર જીલ્લાના દુર્ગમ ડુંગરાળ વિસ્તારમાં ધાડ પાડું ગેંગના ફરાર સભ્યોને પકડવા હાથ ધરેલા ઓપરેશનમાં ત્રણ શખસોને સકંજામાં આવી ગયા છે. જ્યારે લૂંટનો મુખ્ય સૂત્રધાર અને અન્ય સભ્યોને પકડવા જીલ્લા પોલીસની અલગ અલગ સાત જેટલી ટીમે વેશ પલટો કરી ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, શાપર-વેરાવળ વિસ્તારમાં રહેતા 77 વર્ષીય વૃદ્ધ જિતેન્દ્રસિંહ અજીતસિંહ જાડેજા ઘટનાની રાત્રે ઘરમાં એકલા જ હતા, કારણ કે તેમના પત્ની કોઈ હોસ્પિટલના કામ અર્થે બહાર ગયા હતા. આ તકનો લાભ ઉઠાવીને મધ્યરાત્રિએ મોઢે બુકાની બાંધેલા ધાડ પાડું ગેંગ ત્રાટકી હતી અને તીક્ષ્ણ હથિયારો સાથે મકાનની પાછળનો ભાગ તોડીને અંદર ઘૂસી ગયા હતા. બારણું તૂટવાનો અવાજ આવતા જિતેન્દ્રસિંહ ઊંઘમાંથી જાગી ગયા હતા, પરંતુ આ ટોળકીએ એકલા રહેલા વૃદ્ધ પર હુમલો કરી દીધો હતો અને મોઢું બંધ કરીને સૂતેલી હાલતમાં જ દબાવી દીધા હતા અને જો તેઓ અવાજ કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બુકાનીધારી ટોળકી ઘરમાંથી મોટી માત્રામાં રોકડ, સોના-ચાંદીના દાગીના અને હથિયાર સહિત કુલ રૂૂ. 2.50 કરોડની ચકચારી લૂંટ ચલાવીને નાસી ગઈ હતી. એટલું જ નહીં, લૂંટ આચર્યા બાદ ટોળકીએ વૃદ્ધની સોસાયટીમાંથી જ ત્રણ મોટરસાયકલ પણ ચોરી લીધી હતી, જેમાંથી એક બાઇક નજીકમાંથી જ મળી આવી હતી.
આ ઘટના બાદ જીલ્લા પોલીસે તપાસ કકરતા સીસીટીવીમાં મહત્વની કડી મળી હતી. રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરની સુચનાથી જીલ્લા પોલીસની અલગ અલગ સાત જેટલી ટીમ વિભાગ એક્શન મોડમાં આવી હતી અને અલગ-અલગ ટીમો બનાવી આરોપીઓને પકડી પાડવા દોડધામ શરૂૂ કરી હતી જેમાં તપાસ રાજ્ય બહાર મધ્યપ્રદેશ તરફ જઈને અટકી હતી. જીલ્લા પોલીસની ટીમે આ ધાડપાડું ગેંગના ત્રણ સભ્યોને મધ્યપ્રદેશના દુર્ગમ વિસ્તાર માંથી ઝડપી લીધા હતા. પોલીસની આકરી પૂછપરછ દરમિયાન આ શખસોએ શાપરમાં વૃદ્ધને બંધક બનાવીને કરોડોની લૂંટ ચલાવી હોવાની કબૂલાત કરી લીધી છે.
જોકે, પકડાયેલા આરોપીઓએ એવી રટણ કરી છે કે તેમની સાથેનો મુખ્ય સૂત્રધાર સહિતના અન્ય 10 શખસોની સંડોવણી ખુલતા અને લુંટનો તમામ માલ લઈને અન્ય શખ્સો નાસી છૂટ્યા છે. આથી પોલીસે હવે ગુનામાં સામેલ બાકીના લૂંટારુઓને પકડી પાડવા અને લૂંટાયેલો મુદ્દામાલ રિકવર કરવા માટે ખાસ ઓપરેશન શરૂૂ કર્યું છે. મધ્યપ્રદેશના ધાર જીલ્લાના અતિ દુર્ગમ ડુંગરાળ વિસ્તારમાં વેશપલટો કરી ધાડ પાડું ગેંગને પકડવા કવાયત હાથ ધરી છે.
