વડોદરામાં ગાર્મેન્ટના વેપારી પર મધરાત્રે ફિલ્મીઢબે ફાયરિંગ, ગંભીર

વડોદરા શહેરમાં ગુનેગારો બેફામ બન્યા હોય તેમ મોડી રાત્રે એક સનસનાટીભરી ફાયરિંગની ઘટના સામે આવી છે. વાઘોડિયા ચોકડીથી વાઘોડિયા જવાના મુખ્ય માર્ગ પર કારમાં સવાર…

વડોદરા શહેરમાં ગુનેગારો બેફામ બન્યા હોય તેમ મોડી રાત્રે એક સનસનાટીભરી ફાયરિંગની ઘટના સામે આવી છે. વાઘોડિયા ચોકડીથી વાઘોડિયા જવાના મુખ્ય માર્ગ પર કારમાં સવાર એક ગારમેન્ટ વેપારી પર મોટરસાયકલ પર આવેલા બે અજાણ્યા હુમલાખોરોએ ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં વેપારીને ખભાના ભાગે ગોળી વાગતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.

મળતી માહિતી મુજબ, મૂળ દિલ્હીના વતની અને વડોદરામાં ગારમેન્ટનો વ્યવસાય કરતા 37 વર્ષીય આશિષ બાકોલિયા ગત રાત્રે પોતાની કાર લઈને વાઘોડિયા ચોકડીથી વાઘોડિયા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન બાઇક પર સવાર થઈને આવેલા બે અજાણ્યા શખસોએ તેમની કારનો પીછો કર્યો હતો અને અચાનક કારને ઓવરટેક કરીને આશિષભાઈને રોક્યા હતા. હુમલાખોરોએ કંઈ પણ વિચાર્યા વગર સીધું જ આશિષ પર ફાયરિંગ કરી દીધું હતું. ગોળી આશિષભાઈના ખભા (બાવળા) ના ભાગે વાગતા તેઓ કારમાં જ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. ઘટનાને અંજામ આપીને બંને શખસો બાઇક પર ધૂમ સ્ટાઇલમાં ફરાર થઈ ગયા હતા.

ફાયરિંગના અવાજ અને બૂમાબૂમ સાંભળીને આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિકોની મદદથી લોહીલુહાણ હાલતમાં આશિષભાઈને તાત્કાલિક સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, તેમની ગંભીર સ્થિતિને જોતા પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે તેમને તાકીદે ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.

જાહેરમાં ફાયરિંગની ઘટનાને પગલે વડોદરા શહેર અને ગ્રામ્ય પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ગુનાની ગંભીરતાને જોઈને એફએસએલની ટીમને પણ બોલાવી હતી અને ઘટનાસ્થળેથી મહત્વના વૈજ્ઞાનિક પુરાવાઓ એકત્ર કર્યા છે.

આ હુમલા પાછળ કોઈ અંગત અદાવત છે કે અન્ય કોઈ વેપાર સંબંધિત વિવાદ, તે દિશામાં પોલીસની અલગ-અલગ ટીમો બનાવીને તપાસ શરૂૂ કરી દેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *