જંગલેશ્વર ડિમોલિશનમાં રજવાડી વાનગીની બાબુઓએ કરેલી ‘જિયાફત’ના વિવાદ વચ્ચે મીઠાઇના બોક્સ ઠાંસી ઠાંસીને ભરેલી ‘RMC આરોગ્ય વિભાગ’ લખેલી કારનો વીડિયો વાયરલ
રાજકોટમાં જે રીતે જંગલેશ્વરમાં થયેલુ ડિમોલિશન ઐતિહાસિ બની ગયુ હતુ તેવા જ એક ઐતિહાસિક ‘જિયાફત વિવાદ’થી મનપાની આબરૂૂ ધુળધાણી થઇ છે. એકબાજુ બેઘર થનાર સેંકડો લોકોનુ કાળજા કંપાવતુ આક્રંદ થતુ હતુ, અસરગ્રસ્તોના ગળે પાણી પણ ઉતરતુ ન હતુ ત્યારે બીજીબાજુ કાજુ કતરી, ખજુર રોલ સાથે 47 લાખના ખર્ચે રજવાડી ભોજનિયાની મીજબાની સરકારી બાબુઓએ માણી હોવાની માનવતાવિહોણી દાનતથી રાજકોટ મનપાના તંત્રવાહકો સામે સમગ્ર ગુજરાતમાંથી થુ..થુ.. થઇ રહી છે.
મીઠાઇની મિજબાનીને લઇને આરોગ્ય અધિકારી ડો.જયેશ વાંકાણીએ તો પોતાની ચામડી બચાવવા મનઘડતર વાહિયાત બચાવો કર્યા છે પણ આ બચાવ વચ્ચે જુઠાણાનો ભાંડાફોડ થાય તેવા દ્રશ્યો સાથેનો વિડિયો વાયરલ થયો છે. મીઠાઇ, ચેવડો અને ઠંડાપીણાની બોટલ ઠાંસી ઠાંસીને ભરી હોય તેવુ સ્પષ્ટ દેખાતી રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની જ કાર જતી હોવાનું એક તિસરી આંખમાં કેદ થઇ ચુક્યુ છે અને આ વિડિયો વાયરલ થયો છે.
જંગલેશ્વર ડિમોલિશનના ખર્ચમાં જેનાથી જેટલુ લૂંટાઇ તેટલુ લૂંટવામા મનપાના ખાંઉધરા તંત્રવાહકોએ કોઇ કસર છોડી ન હોય તેવી એકપછી એક વાસ્તવિકતા સામે આવી રહી છે.
કાજુ કતરી, ખજુર રોલ સહિતની રજવાડી ભોજનથાળી, બમણાભાવની પાણીની બોટલ, બમણા ભાવની ચા, નાસ્તા સહિતની જિયાફતનો 47 લાખનો ખર્ચ માંડવામા આવ્યો છે. આ ખર્ચના વિવાદ વચ્ચે જીજે03જી 2009 નંબરની રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ લખેલી જ એક ટટા સુમો કાર કે જેમા પાછળની સીટમાં મીઠાઇ, ચેવડો, પાણી અને ઠંડાપીણીની બોટલ ઠાંસી ઠાંસીને ભરાયેલી હોવાના દ્રશ્યો એક સીસીટીવી કેમેરા મારફત બહાર આવ્યા છે. આ કાર ક્યા જતી હતી? કોને ત્યા જતી હતી? એ સહિતના સવાલો ઉભા થઇ રહ્યા છે.
નવો વિવાદ: બેઘર સેંકડો લોકોના આક્રંદની વિડિયોગ્રાફીનું બિલ 25 લાખનું
જંગલેશ્વર ડિમોલિશનનો દાર્શનિક રેકોર્ડ રાખવા માટે રેટ કોન્ટ્રાક્ટ ધરાવતા બાલાજી વિડિયો પેઢી પાસે વિડિયો શુટ કરાવવામા આવ્યુ હતુ. ડિમોલિશન વખતે સેંકડો લોકો ચોધાર આસુએ રડતા હતા. ભુલકાઓ માતાનો પાલવ પકડીને આમથી તેમ ભટકતા હતા. ડિમોલિશનની સાથે આવા કરૂૂણ દ્રશ્યોનું વિડિયો શુટ કરાયુ હતુ. વિડિયો શુટિંગ માટેનો ખર્ચ રૂૂ.22 લાખ અને ડ્રોનથી વિડિયો વિઝ્યુઅલ લેવા માટેનો અલગથી રૂૂ.3.50 લાખનુ બીલ મુકવામા આવ્યુ છે. અત્યાર સુધી બહાર આવેલા ખર્ચાઓમાં રજવાડી ભોજનનો 27.20 લાખનો ખર્ચ, મિનરલ વોટરના 19.10 લાખ અને હવે વિડિયોગ્રાફી-ડ્રોન વિઝયુઅલના 25.50 લાખ મળીને રૂૂ.પોણા કરોડ સુધી કાગળ પર દેખાડેલા ખર્ચનો કદડો પહોંચ્યો છે.
