મોરબી રોડની સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ

બહેનપણીના કૌટુંબિક ભાઈએ પ્રેમજાળમાં ફસાવી વાડી વિસ્તાર અને મકાનમાં આબરૂ લૂંટી સંબંધ બાંધતી વખતે યાદગીરીના બહાને વીડિયો ઉતારી બ્લેકમેઈલિંગ કર્યું રાજકોટ શહેરના મોરબી રોડ વિસ્તારમાં…

બહેનપણીના કૌટુંબિક ભાઈએ પ્રેમજાળમાં ફસાવી વાડી વિસ્તાર અને મકાનમાં આબરૂ લૂંટી

સંબંધ બાંધતી વખતે યાદગીરીના બહાને વીડિયો ઉતારી બ્લેકમેઈલિંગ કર્યું

રાજકોટ શહેરના મોરબી રોડ વિસ્તારમાં રહેતી એક 17 વર્ષીય સગીરા પર લગ્નની લાલચ આપી અવારનવાર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગોંડલ રોડ પર આવેલા આંબેડકરનગર (શેરી નં.-8, એસટી વર્કશોપ પાછળ)માં રહેતા સાગર દેવજીભાઈ ચૌહાણ નામના શખ્સે સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી.

શારીરિક સંબંધ બાંધતી વખતે આરોપીએ પોતાના મોબાઈલમાં બિભત્સ વિડીયો ઉતારી લીધો હતો અને ત્યારબાદ આ વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપીને સગીરા પર અવારનવાર અત્યાચાર ગુજાર્યો હતો. અંતે હવસ સંતોષી લીધા બાદ આરોપીએ લગ્ન કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દેતાં સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.બી ડિવિઝન પોલીસ દ્વારા આ મામલે દુષ્કર્મ, પોક્સો અને આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને ફરાર આરોપીની શોધખોળ શરૂૂ કરવામાં આવી છે.

આ ઘટનાની વિગત એવી છે કે, કચ્છના અંજારમાં ટીપરવાનના ડ્રાયવર તરીકે નોકરી કરતા સગીરાના પિતરાઈ ભાઈએ આ અંગે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. સગીરાના કાકાનો પરિવાર મોરબી રોડ પર રહે છે. આશરે ત્રણ વર્ષ પહેલાં સગીરાની ઘરની સામે રહેતી એક બહેનપણીએ પોતાના માસીના દીકરા સાગર ચૌહાણ સાથે તેની મુલાકાત કરાવી હતી. સાગરે સગીરાને જણાવ્યું હતું કે તેઓ એક જ જ્ઞાતિના છે અને તે તેની સાથે લગ્ન કરવા માંગે છે. આ રીતે સગીરાનો વિશ્વાસ જીતીને તેણે પ્રેમ સંબંધ કેળવ્યો હતો. મિત્રતાના બે વર્ષ ગાળ્યા બાદ, આશરે એકાદ વર્ષ પહેલાં સાગર જ્યારે તેની બહેનપણીના ઘરે આવ્યો ત્યારે રાત્રિના આશરે આઠ વાગ્યે સગીરાને ઘરની પાછળ આવેલા વાડી વિસ્તારમાં લઈ ગયો હતો અને આપણે પતિ-પત્ની છીએ તેમ કહીને તેની મરજી વિરુદ્ધ પ્રથમ વખત બળજબરીપૂર્વક કપડાં ઉતારી શારીરિક સંબંધ બાંધ્યા હતા.

ત્યારબાદ આરોપી સાગર અવારનવાર સગીરાને પોતાના ઘરે લઈ જઈને તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજારતો હતો.આશરે છ મહિના પહેલાં, તેણે યાદગીરીના નામે શારીરિક સંબંધનો વિડીયો ઉતારવાની વાત કરી હતી. સગીરાએ ગભરાઈને ના પાડી હોવા છતાં, આરોપીએ બળજબરીથી પોતાના મોબાઈલમાં બિભત્સ વિડીયો રેકોર્ડ કરી લીધો હતો. આ વિડીયો હાથમાં આવ્યા બાદ આરોપીની દાનત વધુ બગડી હતી.

જ્યારે પણ સગીરા શારીરિક સંબંધ બાંધવાની ના પાડતી, ત્યારે સાગર તેને ધમકાવતો કે જો તે તેની વાત નહીં માને તો આ નગ્ન વિડીયો તેના પરિવારજનોને મોકલી આપશે અને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેશે. એકાદ મહિના પહેલાં જ્યારે પીડિત સગીરાએ સાગરને લગ્ન કરવા માટે પૂછ્યું, ત્યારે તેણે રંગ બદલી નાખ્યો હતો અને જણાવ્યું કે તેના પરિવારજનો આ લગ્ન માટે તૈયાર નથી, તેથી તે લગ્ન નહીં કરી શકે. આ સાંભળી સગીરાએ આરોપીના ભાઈ અને બહેનને પણ આ બાબતે રજૂઆત કરી હતી, પરંતુ તેમણે પણ હાથ ઊંચા કરી દીધા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *