અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી સમજૂતીથી નારાજ ઈઝરાયલે લેબેનોન પર હુમલાનાં છમકલાં ચાલુ રાખ્યાં છે ત્યારે અમેરિકાએ ઈરાન સાથે શાંતિ સ્થાપવાની પોતાની ઈચ્છા મજબૂત હોવાનો સંકેત આપતાં ઈરાનને આગામી 60 દિવસ સુધી કોઈપણ દેશને તેનું ક્રૂડ ઓઇલ વેચવા માટે છૂટ આપી છે. અમેરિકા-ઇરાન વચ્ચે સ્વિટ્ઝરલેન્ડમાં થયેલી મંત્રણામાં ઈરાને કોઈ પણ સંજોગોમાં હોર્મુઝ સ્ટ્રેઈટ ખુલ્લી રાખવાની ખાતરી આપતાં સામે અમેરિકાએ પણ ઉદારતા બતાવીને ક્રૂડ વેચવાની છૂટ આપી દીધી. અમેરિકાએ 60 દિવસ માટે એટલે કે 21 ઓગસ્ટ સુધી ઈરાનને ક્રૂડ ઓઇલ અને પેટ્રોલિયમ ઉત્પાદનોના ઉત્પાદન, વેચાણ, ડિલિવરી અને આયાત માટે છૂટ આપી છે.
અમેરિકાએ આપેલી 60 દિવસની છૂટના સમયગાળામાં પરમાણુ નિરીક્ષકો ઈરાનનાં પરમાણુ મથકોમાં જઈને ઈરાન પરમાણુ બોમ્બ નથી બનાવી રહ્યું તેની ખાતરી કરી લે અમેરિકાને રિપોર્ટ આપે તો 60 દિવસમાં બને દેશો વચ્ચે સમજૂતી થઈ જશે કેમ કે ઈરાન પરમાણુ શસ્ત્રો નહીં બનાવવા માટે સંમત થઈ જ ગયું છે. માનો કે 60 દિવસમાં પરમાણુ મથકોના ઈન્સ્પેક્શનનો કાર્યક્રમ ના પતે ને કોઈ સમજૂતી ના થાય પણ વાટાઘાટો હકારાત્મક દિશામાં આગળ વધે તો અમેરિકા 60 દિવસની છૂટને બીજા 60 દિવસ કે 6 મહિના માટે પણ લંબાવી શકે છે એ જોતાં આખી દુનિયા માટે આ બહુ મોટા સમાચાર છે. ઈરાન પાસે લગભગ 210 અબજ બેરલ ક્રૂડ ઓઈલના ભંડાર છે. ઈરાન કરતાં વધારે ક્રૂડ ઓઈલના ભંડાર માત્ર વેનેઝુએલા અને સાઉદી અરેબિયા પાસે છે અને ઈરાન વિશ્વમાં ત્રીજા ક્રમે છે. વિશ્વમાં ક્રૂડ ઓઈલના કુલ ભંડારના આશરે 12 ટકા અને મિડલ ઈસ્ટમાં ક્રૂડ ઓઈલના કુલ ભંડારના 24 ટકા હિસ્સો ઈરાન પાસે છે.
ઈરાન વરસોના પ્રતિબંધના કારણે વેઠેલું નુકસાન સરભર કરવાની આ તક છે તેથી ઈરાન પાછું વળીને જોવાનું નથી. ઈરાન કોઈ પણ સંજોગોમાં હોર્મુઝ સ્ટ્રેઈટ બંધ નહીં કરવા માટે પણ તૈયાર છે તેથી બીજા દેશોમાંથી આવતાં ક્રુડ ઓઈલનાં જહાજ પણ નિર્વિઘ્ને આવન-જાવન કરી શકશે તેથી હવે પછી ક્રુડ ઓઈલનો પુરવઠો નહીં અવરોધાય. તેની અસર ક્રૂડ ઓઈલના ભાવ પર પડશે અને ભાવ ઘટશે તેથી દુનિયા માટે આ નિર્ણય સારો સાબિત થશે. અમેરિકાનો આ નિર્ણય ભારત માટે સૌથી વધારે ફાયદાકારક છે કેમ કે ઈરાન ભારતની એકદમ નજીક છે. તેના કારણે વૈશ્વિક ભાવે મળે તો પણ ઈરાનનું ક્રૂડ ઓઈલ ભારતને સસ્તું પડે કેમ કે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો બચી જાય. અંતર નજીક હોવાના કારણે સમય પણ ઓછો લાગે તેથી ભારતને બહુ મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઈલ કે પેટ્રોલિયમ ઉત્પાદનોનો સંગ્રહ ના કરવો પડે.
