ગોંડલ પંથકમાં કૌટુંબિક ઝઘડાની અદાવતમાં એક 13 વર્ષના નિર્દોષ બાળકનો ભોગ લેવાયો હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. એક મહિનાથી દીકરીથી અલગ રહેતા જમાઈને એક કરવાના ઈરાદે મહેમાનગતિએ ગયેલા વેવાઈ-વેવાણને મળવા 3 લોકો સાથે પિયર પક્ષે પિતા દોડી ગયા હતા. જોકે, વેવાઈએ તેમના ઘરે આવીને વાત કરવા કહેતા વાત વણસી હતી. રોષે ભરાયેલા વેવાઈએ બાઈક પર જતાં વેવાઈ-વેવાણનો પીછો કર્યો હતો. ઓવરટેક કરીને બાઈક ઊભું રાખી પથ્થર માર્યો હતો જોકે, નાનાએ ફેંકેલો મોટો પથ્થર બાઈક પર પાછળ બેઠેલા માસૂમને માથામાં વાગતા તેનું કરુણ મોત નીપજ્યું હતું.
મોટા દડવા ગામના ભનાભાઈ સોલંકીના પુત્ર અજયના લગ્ન 3 વર્ષ પહેલાં બાબરાના અરવિંદ માતાસૂરિયાની પુત્રી ક્રિષ્ના સાથે થયા હતા. દંપતી વચ્ચેના અણબનાવને કારણે અજય છેલ્લા 1 મહિનાથી પત્નીથી અલગ થઈને મોટા દડવા ખાતે પિતા સાથે રહેતો હતો. ઘટનાના દિવસે ભનાભાઈ સોલંકી, તેમની પત્ની હંસાબેન અને 13 વર્ષનો નાનો પુત્ર નરેન્દ્ર કેશવાળા ગામે સંબંધીના ઘરે ગયા હતા. આ અંગે જાણ થતાં અજયના સસરા અરવિંદભાઈ અન્ય 3 શખસ સાથે સમાધાનની વાતચીત કરવાના બહાને ત્યાં પહોંચ્યા હતા. સંબંધીના ઘરે ભનાભાઈએ સમાધાનની ના પાડી હતી અને કોઈ પણ ચર્ચા પોતાના ઘરે આવીને કરવા જણાવ્યું હતું. ત્યારબાદ તેઓ પરિવાર સાથે બાઈક પર ત્યાંથી નીકળી ગયા હતા.
ભનાભાઈ સોલંકીના જણાવ્યા અનુસાર, તેઓ કેશવાળા ગામની બહાર નીકળ્યા ત્યારે અરવિંદભાઈએ આશરે 80 કિમીની ઝડપે બાઈક ચલાવી તેમનો પીછો કર્યો હતો. રસ્તામાં ગાળો ભાંડીને બાઈક રોકવા માટે આડું નાખવાનો પ્રયાસ પણ કર્યો હતો. ભનાભાઈએ બાઈક આગળ કાઢી લેતાં, અરવિંદભાઈએ આગળ જઈને રસ્તા પરથી એક મોટો પથ્થર હાથમાં લીધો હતો. તેમણે ભનાભાઈને નિશાન બનાવીને પથ્થર ફેંક્યો હતો, પરંતુ તે પથ્થર ચુકી જઈને પાછળ બેઠેલા 13 વર્ષના પુત્ર નરેન્દ્રના માથાના ભાગે વાગ્યો હતો.પથ્થર વાગતાં જ બાળક ઘટનાસ્થળે જ લોહીલુહાણ થઈ ગયો હતો. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી.
એમ્બ્યુલન્સમાં પ્રાથમિક સારવાર આપી નરેન્દ્રને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો, પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેણે દમ તોડી દીધો હતો. ઘટનાની જાણ થતાં જ સુલતાનપુર પોલીસ સ્ટેશનના ઙઈં જે.એ. ખાચર સહિતનો કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલે પહોંચ્યો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી અને આરોપીઓની અટકાયત કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પારિવારિક વિવાદમાં એક માસૂમ બાળકે જીવ ગુમાવવો પડતાં સ્થાનિક પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
