ઉના પંથકમાં 13 વર્ષની સગીરા પર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી, નરાધમની ધરપકડ

આરોપીની પત્ની પણ ગર્ભવતી, માસુમ બાળા સુરત મામાના ઘરે રોકાવા ગઇ ને ભાંડો ફૂટ્યો ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના એક છેવાડાના ગામમાંથી માનવતાને શર્મસાર કરતી…

આરોપીની પત્ની પણ ગર્ભવતી, માસુમ બાળા સુરત મામાના ઘરે રોકાવા ગઇ ને ભાંડો ફૂટ્યો

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના એક છેવાડાના ગામમાંથી માનવતાને શર્મસાર કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક 13 વર્ષની માસૂમ બાળકીને લગ્નની લાલચ આપી, લલચાવી-ફોસલાવીને વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ 30 વર્ષીય પરણિત નરાધમે માસૂમને 18 અઠવાડિયાનો ગર્ભ રાખી દીધો હોવાની હૃદયદ્રાવક વિગતો પ્રકાશમાં આવી છે. આ મામલે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને નરાધમ આરોપીને ઝડપી પાડ્યો છે. ભોગ બનનાર માસૂમ બાળકી થોડા સમય પહેલાં સુરતમાં રહેતા તેના મામાના ઘરે વેકેશન ગાળવા કે રોકાવા માટે ગઈ હતી. ત્યાં અચાનક જ તેના પેટમાં અસહ્ય દુખાવો ઉપડ્યો હતો.

બાળકીએ આ અંગે તેના મામા-મામીને વાત કરતાં, તેઓ તાત્કાલિક તેને સારવાર અર્થે સુરતની એક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. હોસ્પિટલમાં જ્યારે તબીબે બાળકીનું તબીબી પરીક્ષણ કર્યું, ત્યારે તેઓ પણ અચંબામાં પડી ગયા હતા. ડોક્ટરે બાળકીના મામાને જ્યારે આઘાતજનક સમાચાર આપ્યા કે બાળકીના પેટમાં 18 અઠવાડિયાનો ગર્ભ છે, ત્યારે ગરીબ પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું હતું. પરિવારે તાત્કાલિક વતનમાં રહેતા બાળકીના માતા-પિતાને જાણ કરતાં તેઓ પણ સુરત દોડી આવ્યા હતા. માસૂમ બાળકીએ રડતા-રડતા પોતાની સાથે બનેલી તમામ આપવીતી માતા-પિતાને જણાવી હતી. ગામમાં જ રહેતા અશોક અરજણભાઈ પરમાર નામના શખ્સે બાળકી સાથે પહેલાં મિત્રતા કેળવી હતી.

ત્યારબાદ બાળકી ઘરમાં કે આસપાસ એકલી હોય ત્યારે તેને બોલાવી, લગ્નની ખોટી લાલચ આપીને તેની પર અવારનવાર દુષ્કર્મ આચરતો રહ્યો હતો. ચોંકાવનારી અને શરમજનક વાત એ છે કે આરોપી અશોક પોતે પરણિત છે અને તેની પત્ની પણ હાલ 3 માસના ગર્ભ સાથે છે, છતાં તેણે આ માસૂમ બાળકીનું જીવન બરબાદ કરવામાં કોઈ કસર છોડી નહોતી.

સમગ્ર ઘટનાની વિગત જાણીને ભાંગી પડેલી માતાએ તાત્કાલિક સુરતના વરાછા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. સુરત પોલીસે નરાધમ આરોપી અશોક વિરુદ્ધ ઝીરો નંબરથી ફરિયાદ નોંધી આગળની તપાસ માટે ઉના પોલીસને કેસ ટ્રાન્સફર કર્યો હતો.

ઉના પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. બોરીચાએ ગુનાની ગંભીરતા જોઈને તાત્કાલિક એક્શન લીધા હતા અને આરોપીને તેના ગામમાંથી દબોચી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. સાથે જ પીડિત બાળકીનું સત્તાવાર મેડિકલ પરીક્ષણ કરાવવાની પ્રક્રિયા શરૂૂ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *