ધોરાજીમાં 14 વર્ષની સગીરા તાબે ન થતાં નરાધમે પહેલા માળેથી નીચે ફેંકી દીધી

ધોરાજીના બહારપુરા વિસ્તારમાં એક ફિટકારજનક ગંભીર ઘટના સામે આવી છે. અહીં માત્ર 14 વર્ષની સગીરાને 27 વર્ષના નરાધમ યુવકે દૂધ લેવાના બહાને પોતાના ઘરમાં બોલાવીને…

ધોરાજીના બહારપુરા વિસ્તારમાં એક ફિટકારજનક ગંભીર ઘટના સામે આવી છે. અહીં માત્ર 14 વર્ષની સગીરાને 27 વર્ષના નરાધમ યુવકે દૂધ લેવાના બહાને પોતાના ઘરમાં બોલાવીને બદકામ કરવાના ઇરાદે મોઢામાં ડૂચો માર્યો હતો, પણ તેણીએ બુમાબુમનો પ્રયાસ કરતા ક્રૂરતાપૂર્વક પહેલા માળેથી નીચે ફેંકી દેવામાં આવી હતી. જેથી તેણીને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. બીજી તરફ પોલીસે જઘન્ય કૃત્ય આચરનાર શખ્સને પકડી પાડીને કાર્યવાહી હાથ ધરી હતી.

ધોરાજી સિટી પોલીસના જણાવ્યા અનુસાર, અહીં બહારપુરાની ગરીબ નવાજ કોલોનીમાં રહેતા 27 વર્ષીય મોઈન નાસીર ચૌહાણ નામના શખ્સે પોતાના ઘર પાસેથી પસાર થતી એક 14 વર્ષની સગીરાને રોકીને પૈસા આપી દૂધ લાવી આપવા કહ્યું હતું. જેથી મદદની ભાવનાથી સગીરા દૂધ લેવા ગઈ હતી અને પરત આવી ત્યારે નરાધમ યુવકે બદકામ કરવાના બદઇરાદાથી તેને ઘરમાં બોલાવી દરવાજો બંધ કરી દીધો હતો. બાદમાં સગીરા બૂમાબૂમ ન કરે તે માટે તેના મોઢામાં કપડાનો ડૂચો માર્યો હતો, પણ સગીરાએ બૂમાબૂમનો પ્રયાસ ચાલુ રાખતા અને તેણીના માતા-પિતા શોધખોળ કરવા લાગતા આરોપી યુવક ગભરાઈ ગયો હતો.

પકડાઈ જવાના ડરથી તેણે માસૂમ સગીરાને ઘરના પહેલા માળેથી નીચે ફેંકી દીધી હતી, જેના કારણે તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને લોહીલુહાણ હાલતમાં સગીરાને તાત્કાલિક ધોરાજી સરકારી હોસ્પિટલ ખસેડી હતી, જ્યાંથી વધુ સારવાર માટે તેને જૂનાગઢ હોસ્પિટલ રીફર કરવામાં આવી હતી.

બીજી તરફ ઘટનાની ગંભીરતાને સમજીને ધોરાજી પોલીસે તાત્કાલિક જૂનાગઢ હોસ્પિટલ પહોંચી સગીરાના પિતાની ફરિયાદ નોંધી હતી. પોલીસે આરોપી મોઈન નાસીર ચૌહાણ વિરુદ્ધ આઈપીસી કલમ 307 (હત્યાનો પ્રયાસ) તથા પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તેને જેલહવાલે કરી પીએસઆઈ ભાવેશ પટેલ દ્વારા વધુ તપાસ ચાલુ કરવામાં આવી છેે. આ હેવાનિયતભર્યા કૃત્યથી ભારે ફિટકારની લાગણી પ્રસરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *