ઘરેલુ હિંસાનો ભોગ બન્યો પતિ! પત્નીના ત્રાસથી માંગી ઇચ્છા મૃત્યુની મંજૂરી

સુરતના યુવાને કલેકટરને લેખિત રજૂઆત કરી કહ્યું, મને જીવવાનો કોઇ હક નથી, પત્ની શંકા કરી થપ્પડ મારતી, 12 વર્ષના દીકરાનું ગળુ દબાવ્યું સુરતમાં કાપડ માર્કેટમાં…

સુરતના યુવાને કલેકટરને લેખિત રજૂઆત કરી કહ્યું, મને જીવવાનો કોઇ હક નથી, પત્ની શંકા કરી થપ્પડ મારતી, 12 વર્ષના દીકરાનું ગળુ દબાવ્યું

સુરતમાં કાપડ માર્કેટમાં જોબવર્ક કરતા એક પત્ની પીડિત પતિએ અસહ્ય માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને સુરત કલેક્ટર સમક્ષ ઈચ્છામૃત્યુની લેખિત રજૂઆત કરી છે. પીડિત પતિએ આક્ષેપ કર્યો છે કે, કાયદાનો દુરૂૂપયોગ કરીને તેની પત્ની અને સાસરીયાઓ તેને આર્થિક અને સામાજિક રીતે બરબાદ કરી રહ્યા છે.

કલેક્ટર કચેરીમાં ન્યાય ન મળતા આખરે આ મામલો રાજ્યના ગૃહ મંત્રાલય સુધી પહોંચ્યો છે. પીડિત પતિએ ગૃહ મંત્રી હર્ષ સંઘવીના પીએને પણ ફોન કરીને આપવીતી જણાવી હતી. જ્યાંથી તેમના પીએ દ્વારા આ કેસમાં તટસ્થ અને યોગ્ય તપાસની ખાતરી આપવામાં આવી છે.

પીડિત પતિના જણાવ્યા અનુસાર, તેમના અગાઉ 3 લગ્ન નિષ્ફળ રહ્યા હતા અને તેમની પત્નીના પણ અગાઉ બે લગ્ન થઈ ચૂક્યા હતા. પીડિતના આ ચોથા મેરેજ હતા. અગાઉના લગ્નથી એક 12 વર્ષનો દીકરો છે. આ માસૂમ દીકરાને માતાની મમતા અને સારો ઉછેર આપવાના આશયથી તેમણે વર્ષ 2024માં લગ્ન કર્યા હતા, પરંતુ લગ્નના ગણતરીના 3 મહિના જ આ સંસાર ચાલ્યો હતો. પીડિત પતિએ ગંભીર આક્ષેપ કર્યો છે કે, તેમની પત્નીએ રાત્રિના સમયે તેમના દીકરાનું ગળું અને મોઢું દબાવીને તેને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો.

પીડિત પતિએ પોલીસ પ્રશાસન સામે ભારે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જ્યારે દીકરાને મારી નાખવાનો પ્રયાસ થયો, ત્યારે રાત્રે 12 વાગ્યે આ બનાવ બન્યો હતો અને વહેલી સવારે 4 વાગ્યે તેઓ પોલીસ સ્ટેશન ફરિયાદ દાખલ કરાવવા ગયા હતા, પરંતુ પોલીસે ઘરની મેટર ઘરમાં રાખો, સંસાર બગડી જશે તેમ કહીને તેમને ફોસલાવીને પાછા મોકલી દીધા હતા.

આ ઘટના જૂન મહિનામાં એટલે કે છઠ્ઠા મહિનામાં બની હતી. બાળ સુરક્ષા વિભાગ અને પોલીસ અધિકારીઓ સમક્ષ દીકરાના કાઉન્સિલિંગની માંગ કરવા છતાં આજ દિન સુધી હત્યાના પ્રયાસ (કલમ 307) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો નથી. 21 તારીખે રજૂઆત કરવા છતાં 29 તારીખ સુધી એટલે કે 8 દિવસ થવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી.

પીડિત પતિએ પોતાની આપવીતી જણાવતા કહ્યું હતું કે, તેમની પત્ની નાની-નાની બાબતોમાં શંકા કરતી હતી.
કાપડની જોબ દરમિયાન બહેન, ભાઈ કે મિત્રોના ફોન આવતા અને ફોન વ્યસ્ત આવે તો તે વહેમ રાખીને ઝઘડો કરતી હતી.

ત્રાસની પરાકાષ્ઠા તો ત્યારે આવતી જ્યારે રાત્રિના 2 વાગ્યે કે 4 વાગ્યે તે પતિ સાથે ઝઘડીને મારપીટ કરતી હતી. દીકરાને પકડીને કેમ સૂવે છે, મને પકડીને ઊંઘ તેમ કહીને સીધી થપ્પડ મારી દેતી હતી. જેના કારણે તેઓ આખી રાત ઊંઘી પણ શકતા નહોતા.

આ અસહ્ય પ્રતાડના છતાં પીડિત સંસાર બચાવવા મથતા રહ્યા, પણ આખરે પાણી માથા પરથી જતું રહ્યું હતું. આ કાયદાકીય કાવતરામાં તેમની પત્ની, સાળો, સાસુ અને સાળાના શેઠ સામેલ હોવાના આક્ષેપ સાથે પીડિતે આ તમામ 4 લોકોને પોતાના સંભવિત પગલાં માટે જવાબદાર ગણાવ્યા છે.

મારી પત્ની પોલીસમાં ખોટા કેસ કરી લાખો રૂપિયા પડાવવા માંગે છે
આ કેસમાં સૌથી મોટો આક્ષેપ એ છે કે, આ પત્ની કોઈ સામાન્ય મહિલા નહીં પરંતુ કાયદાકીય છટકબારીઓનો ઉપયોગ કરીને પતિઓને લૂંટતી ’ડિજિટલ લૂંટેરી દુલ્હન’ છે. પીડિત પતિએ આક્ષેપ કર્યો છે કે, સામાન્ય લૂંટેરી દુલ્હનો લગ્ન કરી દાગીના લઈ 5-10 દિવસમાં ભાગી જાય છે, પરંતુ આ મહિલા લગ્ન કર્યા બાદ પતિઓ પર ઘરેલું હિંસા અને ભરણપોષણના ખોટા કેસ કરીને લાખો રૂૂપિયા પડાવે છે. પીડિત પતિ પાસે તેનું સ્ટિંગ ઓપરેશન અને સરકારી વકીલનો વીડિયો પણ છે. જેમાં સ્પષ્ટ થાય છે કે આ મહિલાએ તેના અગાઉના બે પતિઓ પાસેથી પણ આ જ રીતે 4.5 લાખ રૂૂપિયા પડાવ્યા હતા. પીડિત પાસે પણ રૂૂપિયાની માંગણી કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *