ગુજસીટોકના ગુનામાં ફરાર કુખ્યાત અલ્તાફ ઉર્ફે છ આંગળી અમદાવાદથી ઝડપાયો

રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં દારુ સ્પલાયનું નેટવર્ક ચાલવતા કુખ્યાત અલ્તાફ ઉર્ફે ’છ આંગળી’ ગેંગ સામે પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી ટોળકીના પાંચ સભ્યોને ઝડપી લીધા હતા…

રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં દારુ સ્પલાયનું નેટવર્ક ચાલવતા કુખ્યાત અલ્તાફ ઉર્ફે ’છ આંગળી’ ગેંગ સામે પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી ટોળકીના પાંચ સભ્યોને ઝડપી લીધા હતા આ ટોળકીનો મુખ્ય સૂત્રધારને અલ્તાફ ઉર્ફે ’છ આંગળી ફરાર હોય તેને પકડી પાડવામાં ક્રાઈમ બ્રાંચને સફળતા મળી છે. ગુનો દાખલ થયા બાદ પાછલા 11 દિવસથી નાસતા ફરતા મુખ્ય સૂત્રધાર અલ્તાફ ઉર્ફે છ આંગળી હનીફભાઈ થઈમને રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદ ખાતેથી દબોચી લીધો છે. આ ઓપરેશન બાદ પોલીસે ગુનાહિત ટોળકીના મુખ્ય લીડરને આશરો આપનાર શખ્સો સહિતના મુદ્દે વિશેષ તપાસ અર્થે આજે તેને રિમાંડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને સુદ્રઢ રાખવા તેમજ આવી સંગઠિત ગુનાખોરી આચરતી ટોળકીઓ પર કડક અંકુશ લાવવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવી હતી. જેના પગલે ડીસીપી (ક્રાઈમ) જગદીશ બાંગરવા અને એસીપી (ક્રાઈમ) ભરત બી. બસીયાના સીધા માર્ગદર્શન હેઠળ ડી.સી.બી. પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.આર. ગોંડલીયા, એમ.એલ. ડામોર, સી.એચ. જાદવ સહિતના સ્ટાફે આ સમગ્ર ઓપરેશન પાર પાડ્યું છે. પોલીસની અલગ-અલગ ટીમોએ ટેકનિકલ સોર્સિસ અને બાતમીદારોના આધારે અલ્તાફને અમદાવાદથી શોધી કાઢી તેની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અલ્તાફ ઉર્ફે છ આંગળીની ગેંગનો ગુનાહિત ઇતિહાસ તપાસતા ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે.

આ ટોળકી સામે વર્ષ 2016થી લઈને વર્ષ 2026 સુધીના એક જ દાયકાના સમયગાળા દરમિયાન કુલ 46 જેટલા ગંભીર પ્રકારના ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. આ ગેંગના સભ્યો માટે ગુનાહિત પ્રવૃત્તિઓ જ તેમની આજીવિકાનું મુખ્ય સાધન બની ગઈ હોય તેવું તપાસમાં ખુલ્યું છે. આથી જ સંગઠિત ગુનાખોરી નાબૂદ કરવાના આશયથી પોલીસ દ્વારા આખી ગેંગ સામે ગુજસીટોક હેઠળ કડક કાનૂની સંવેદનશીલ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.પોલીસના જણાવ્યા અનુસાર, આ ગુનાહિત સિન્ડિકેટના મુખ્ય સૂત્રધાર સહિત કુલ 06 સાગરીતો વિરૂૂદ્ધ ગુજસીટોક અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે.

જેમાં અગાઉ ક્રાઈમ બ્રાન્ચે ગેંગના અન્ય પાંચ સભ્યો જેવા કે તોસીફ ઉર્ફે બાધો અસીમભાઈ ઉમરેઠીયા, ઈમરાન ગુલાબભાઈ બેલીમ, અશોક ગોવિંદભાઈ સીંધવ, ભરત માધવજી વાસુર અને ઈકબાલભાઈ કરીમભાઈ વડાવરીયાની ધરપકડ કરી લીધી હતી અને તેમને સાત દિવસના રિમાંડ મેળવ્યા બાદ જેલહવાલે કરવામાં આવ્યા હતા. જ્યારે મુખ્ય લીડર અલ્તાફ ફરાર થઈ ગયો હતો. હવે અલ્તાફ પણ પોલીસ સકંજામાં આવી જતાં, તેને 11 દિવસ સુધી કોણે-કોણે આશરો આપ્યો અને ફરાર રહેવામાં મદદ કરી તે દિશામાં ઘનિષ્ઠ પૂછપરછ કરવા માટે આજે તેને કોર્ટ સમક્ષ રજૂ કરી રિમાંડ મેળવવાની તજવીજ હાથ ધરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *