હત્યામાં ઉપયોગમાં લેવાયેલી કાર કચ્છના મોટા માથાની સમગ્ર ઘટનાનું પોલીસ રી-ક્ધસ્ટ્રકશન કરાવશે
પડધરીના ખખડાબેલાના યુવાન યુવરાજસિંહની હત્યા કરી 781 દિવસથી ફરાર બે મોસ્ટ વોન્ટેડ પિતરાઈ ભાઈઓ મહેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજા (ઉ.વ.35) અને યશપાલસિંહ રસિકસિંહ જાડેજા (ઉ.વ.22)ને રાજકોટ રૂૂરલ પોલીસની ટીમે અંતે રાજસ્થાનની અમીરગઢ બોર્ડર પરથી ઝડપી લીધા હતા. સમગ્ર ઘટનામાં જે કારનો ઉપયોગ થયો તે કચ્છ ખાતે રહેતા તેના બનેવીની હોવાનું સામે આવ્યું છે આ કેસમાં તેના બનેવીની સંડોવણીની શંકા હોય તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. સમગ્ર ઘટનાનું પોલીસ રી-ક્ધસ્ટ્રકશન કરાવશે.
આ મામલે જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, રાજકોટ પડધરીના ખાખડાબેલા ગામમાં ગત 20મી મેના રોજ બે વર્ષ પહેલા વર્ષ 2024માં નોંધાયેલા પોક્સો અને દુષ્કર્મ કેસના આરોપીઓએ આ જ કેસમાં સમાધાન ન કરવા બાબતે પીડિતાના 43 વર્ષીય કાકાની તીક્ષ્ણ હથિયારના 9 જેટલા ઘા ઝીંકી હત્યા કરી હતી. આ કેસમાં આરોપી મહેન્દ્રસિંહના પિતા રણજીતસિંહે પણ આજથી એક વર્ષ પૂર્વે પીડિત પરિવારના એક સભ્ય પર ટ્રેક્ટર ચડાવવાની કોશિશ પણ કરી હતી.
આ રીતે ડરાવવાનો પ્રયાસ કરી આરોપીના પિતા રણજીતસિંહે પીડિત પરિવારને ધમકી આપતા કહ્યું હતું કે, ’તારે સમાધાન કરવું છે કે નહીં, નહીંતર તમારો એકાદો ઓછો થશે’. જે મામલે રણજીતસિંહ જાડેજા વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાઈ છે. આ કેસમાં મહેન્દ્રસિંહ અને યશપાલસિંહને પોલીસ પકડી શકી ન હતી. જેને કારણે બે વર્ષ કરતાં વધું સમય સુધી વોન્ટેડ રહ્યા હતા. અને ગઇ તા.20ના રોજ પુર્વયોજિત કાવતરાના ભાગરૂૂપે યુવરાજસિંહની છરીના ઘા ઝીંકી હત્યા નીપજાવી હતી.
બંને આરોપીઓ દુષ્કર્મ અને પોક્સોના કેસમાં બે-બે વર્ષ કરતા વધુ સમયથી વોન્ટેડ હોવા છતાં હત્યા નીપજાવી ભાગી જતાં પોલીસની આબરૂૂના ધજાગરા થયા હતા.
પોલીસે દાખવેલી ગંભીર બેદરકારીને કારણે યુવરાજસિંહની હત્યા થયાનું તારણ નીકળ્યું હતું. જેને ધ્યાને લઇ રાજકોટ રેન્જના ડીઆઇજી નિર્લિપ્ત રાયે બંને આરોપીઓને નહી પકડી ફરજમાં બેદરકારી દાખવનાર પડધરીના તત્કાલિન પીઆઇ એસ.એન.પરમાર, પીઆઇ એચ.એન.રાઠોડ, પીએસઆઇ જે.જે.વાળા અને એએસઆઇ ભગીરથસિંહ જાડેજાને સસ્પેન્ડ કરી દીધા હતા. એટલું જ નહીં એએસપી સિમરન ભારદ્વાજની અધ્યક્ષતામાં આરોપીઓને તાત્કાલીક ઝડપી લેવા માટે ટીમની રચના કરી હતી. જેમાં એલસીબી પી.આઈ જે.પી.રાવ સાથે , પડધરી પોલીસ પી.આઈ એમ.જી.ચૌહાણ, ભાયાવદરના ઇન્ચાર્જ પી.આઈ એ.બી.જાડેજા ,એસઓજીના પીએસઆઈ જી.જે.ઝાલા, એલસીબીના પીએસઆઈ એચ.સી.ગોહીલ ના 100 જેટલા અધિકારીઓ અને માણસોને કામે લગાડયા હતા.
આખરે બંને આરોપીઓ રાજસ્થાનની અમીરગઢ બોર્ડર પરથી ઝડપાઇ ગયા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીઓ દ્વારા હત્યાના ગુનામાં ઉપયોગમાં લેવામાં આવેલ બ્રેઝા કાર કચ્છના ગાંધીધામ ખાતેથી તેના બનેવી પાસેથી લાવ્યા હોવાજું અને તે ગાડીની નંબર પ્લેટ કાઢી નાખી પોલીસને ગેરમાર્ગે દોરવા અન્ય બીજી ખોટી નંબર પ્લેટ લગાડી દેવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જે બ્રેઝા કાર અને હત્યામાં ઉપયોગમાં લેવામાં આવેલ છરી પણ કબ્જે કરી એફએસએલમાં મોકલવામાં આવેલ છે. પોલીસ તપાસમાં આરોપી મહેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજા વિરુદ્ધ અગાઉ ગુનાહિત કાવતરું રચી છેતરપિંડી આચરવા તેમજ દુષ્કર્મ અને પોક્સો હેઠળ અલગ અલગ 2 ફરિયાદ પડધરી પોલીસમાં નોંધાઈ ચુકી હોવાનું અને આરોપી યશપાલસિંહ જાડેજા વિરુધ્ધ દુષ્કર્મ અને પોક્સો હેઠળ ફરિયાદ નોંધાઈ ચુકી હોવાનું સામે આવ્યું છે.
ફરાર બન્ને આરોપીને મદદ કરનાર સામે પણ પોલીસ કાર્યવાહી કરશે
દુષ્કર્મ અને પોક્સોના કેસમાં આરોપીઓ મહેન્દ્રસિંહ અને યશપાલસિંહ બે-બે વર્ષ સુધી વોન્ટેડ રહ્યા હતા. પોલીસ તપાસમાં એવું ખુલ્યું છે કે, આ સમય દરમિયાન બંને આરોપીઓ મુખ્યત્વે ગાંધીધામ, રાજસ્થાન અને મનાલીમાં રહ્યા હતા. આ તમામ સ્થળે આવેલી હોટલોમાં આરોપી મહેન્દ્રસિંહ પોતાની કુક તરીકે ઓળખ આપી કામે રહી જતો હતો. બીજા આરોપી યશપાલસિંહને પોતાના હેલ્પર તરીકે સાથે રાખતો હતો. આમ તો બંને આરોપીઓ ખેતી કરે છે. દુષ્કર્મ અને પોક્સોનો કેસ નોંધાયા બાદ આરોપી મહેન્દ્રસિંહે રસોઇ કરવાનું શીખી લીધું હતું. જેને કારણે તે જુદી-જુદી હોટલોમાં કુક તરીકે કામે રહી જતો હતો. પોલીસથી બચવા માટે બંને આરોપીઓ મોબાઇલ ફોનનો પણ ઉપયોગ કરતા ન હતા. આરોપી મહેન્દ્રસિંહને 80થી વધુ નંબર યાદ હતા. જેથી બીજા કોઇના મોબાઇલનો ઉપયોગ કરી જેની સાથે વાત કરવી હોય તેનો વોટ્સ્એપ કોલ પર સંપર્ક કરતો હતો. આ રીતે તેણે કેટલાક પરીચીતો પાસેથી અમુક રકમ પણ મંગાવી હતી. જેના મોબાઇલનો ઉપયોગ કરતો તેના નંબર પર ઓનલાઇન પૈસા મંગાવી બદલામાં તેને થોડું કમિશન પણ આપી દેતો હતો. બસમાં આઇડીની માંગણી થતી ન હોવાથી બંને આરોપીઓ મોટાભાગે બસમાં જ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હતા. હવે બન્ને આરોપીને મદદગારી કરનાર સામે પણ પોલીસ કાર્યવાહી કરશે.
