જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના જીણાંવારી ગામ પાસે આવેલી એક પવનચક્કીની સાઈટના એરિયામાં પાર્ક કરેલા કંપનીના વાહનોમાંથી ડીઝલ ચોરી થતી હોવાના આક્ષેપ સાથે જામજોધપુર પોલીસમાં બે શખ્સો સામે ફરિયાદ નોંધાવાઈ છે. ડિઝલ ચોરી થતી હોવાની છેલ્લા એક મહીનાથી શંકા હોય ખાનગી વોચ ગોઠવતા ડિઝલ ચોરીનું કારસ્તાન પકડાયું હતું. સુપરવાઇઝરે પોલીસને જાણ કર્યાનો ખાર રાખી આરોપી અને તેના દસથી વધુ સાગરીતે સુપરવાઇઝર ઉપર છરીથી હુમલો કર્યો હતો.
બનાવની વિગત એવી છે કે, જામજોધપુર તાલુકાના જીણાવારી ગામ નજીક આવેલી પવનચક્કી સાઇટ પરથી ડીઝલ ચોરી થતી હોવાની ફરિયાદ બાદ કંપનીના સુપરવાઈઝર પર હુમલો થયાની ઘટના સામે આવી છે. આ મામલે જામજોધપુર પોલીસ મથકે ફરિયાદ કુલ 10 સામે ફરિયાદ નોંધાવાઈ છે.
ફરિયાદ મુજબ, સાનીધ્ય પાર્ક લાલપુર ખાતે રહેતા અને ઓપેરા એનર્જી પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા જયેશભાઈ આલાભાઈ વસરાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે કંપની દ્વારા જીણાવારી તથા મોટી ગોપ વિસ્તાર ખાતે પવનચક્કીઓ ઉભી કરવાનું કામ ચાલી રહ્યું છે. છેલ્લા એક મહિનાથી કંપનીના ટ્રેલર, ક્રેન અને અન્ય વાહનોમાં જરૂૂરીયાત કરતા વધુ ડીઝલ વપરાશ થતો હોવાને કારણે તેમને ડીઝલ ચોરી થતી હોવાની શંકા ગઈ હતી.
ગત તા. 17-05-2026ની મધરાતે તેઓ અન્ય કર્મચારીઓ સાથે જીણાવારી ગામ નજીક આવેલા લોકેશન નં. 448 ઉપર તપાસ માટે ગયા હતા. તે દરમિયાન કંપનીના વાહનો પાસે શંકાસ્પદ હાલતમાં બે વ્યક્તિઓ ભાગી ગયા હતા. સ્થળ પરથી જી.જે.-06-સીક્યુ-6616 નંબરનું પ્લેટિના મોટરસાયકલ તથા અંદાજે 30-30 લીટર ડીઝલ ભરેલા બે કેરબા મળી આવ્યા હતા. ત્યારબાદ કંપનીના ચોકીદારને સાહીલ હીંગોરા નામના વ્યક્તિનો ફોન આવ્યો હતો જેમાં તેણે ડીઝલ લેવા આવ્યા હોવાની કબૂલાત કરી હતી. ફરિયાદ મુજબ સાહીલ હીંગોરાએ કંપનીના ટ્રેલર ડ્રાઈવર જગા મારવાડી સાથે મળીને અનેક વખત કંપનીના વાહનોમાંથી ડીઝલ કાઢી પોતાના જે.સી.બી.માં વાપરતા હોવાની વાત સ્વીકારી હતી.
ઘટનાની જાણ થતાં 112 ટીમ સ્થળ પર પહોંચી હતી અને તમામને જામજોધપુર પોલીસ મથકે લઈ જવાયા હતા. ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે બીજા દિવસે સવારે ફરિયાદી સુપરવાઈઝર સાઇટ પર હાજર હતા ત્યારે બે વાહનોમાં આવી પહોંચેલા આશરે દસ જેટલા શખ્સોએ લાકડીઓ અને પાઈપ સાથે ધસી આવી હુમલો કર્યો હતો. આ દરમિયાન સાહીલ હીંગોરાએ છરી વડે હુમલો કરતાં ફરિયાદીને જમણા પગના સાથળ ભાગે ઈજા પહોંચી હતી અને તેમને ત્રણ ટાંકા આવ્યા હોવાનું જણાવાયું છે. હુમલાખોરોએ જાનથી મારી નાખવાની ધમકી આપી સ્થળ પરથી ફરાર થઈ ગયા હોવાનું પણ ફરિયાદમાં ઉલ્લેખાયું છે. સમગ્ર મામલે જામજોધપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
