જામનગર શહેરની ભાગોળે અકસ્માત માટે કુખ્યાત બનેલી ઠેબા ચોકડી વિસ્તારમાં ગત મોડી રાત્રે વધુ એક ગંભીર સિરિયલ અકસ્માત સર્જાયો હતો. જેના કારણે અફડાતફડીનો માહોલ સર્જાયો હતો, તેમજ ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા, અને એક બાઈક સવાર યુવાન ઘાયલ થયો છે.
શહેરના ઠેબા ચોકડી નજીક બારાડી પેટ્રોલ પંપ પાસે પૂરપાટ ઝડપે દોડી રહેલા એક ટ્રક ચાલકે એક સાથે પાંચથી વધુ વાહનોને હડફેટે લેતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફડી મચી ગઈ હતી.
આ અકસ્માતમાં એક મોટરસાયકલ ચાલકને ઇજાઓ પહોંચી હતી, જેને તાત્કાલિક અસરથી સારવાર માટે સરકારી જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત બાદ ઠેબા ચોકડી વિસ્તારમાં ટ્રાફિક જામ સર્જાયો હતો અને વાહનચાલકો લાંબા સમય સુધી અટવાઈ ગયા હતા.
આ અકસ્માતના બનાવની જાણ થતાં સિટી-એ ડિવિઝન પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી, અને પરિસ્થિતિ કાબૂમાં લેવા કામગીરી હાથ ધરી હતી. પ્રાથમિક માહિતી મુજબ અકસ્માત સર્જનાર ટ્રક ચાલકને પોલીસે પકડી પાડ્યો હોવાનું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે ઠેબા ચોકડી વિસ્તારમાં વારંવાર અકસ્માતોની ઘટનાઓ બનતી હોવાને કારણે સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો કરવા માંગ ઉઠી રહી છે.
