વૃધ્ધાની હત્યા કર્યા બાદ આરોપી અંતિમવિધિમાં પણ સાથે રહ્યો અને પરિવારને સાંત્વના આપતો રહ્યો!
ધોયા વગરની ચાની રકાબી પર પોલીસની નજર પડીને બ્લાઇન્ડ કેસનો ભેદ પોલીસે ઉકેલ્યો
જૂનાગઢ શહેરમાં પતિ અને પુત્ર સાથે રહેતા વૃદ્ધાની તેના જ ઘરમાં ગળું કાપી હત્યાના બનાવનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે મૃતક વૃદ્ધાના પાડોશમાં જ રહેતા યુવકની ધરપકડ કરી લીધી છે. આરોપી યુવક શેરબજારમાં પૈસા હારી ગયા બાદ વૃદ્ધા માટે ઉછીના માગવા ગયો હતો. જે બાબતે વૃદ્ધા સાથે બોલાચાલી થતા તીક્ષણ હથિયારથી વૃદ્ધાનું ગળું કાપી હત્યા કરી નાખી હતી.
જૂનાગઢના ગિરિરાજ વિસ્તારમાં આવેલી ચિત્રકૂટ સોસાયટીમાં પતિ અને પુત્ર સાથે રહેતા 63 વર્ષીય સુનિતાબેન રાઈજાની તેના જ ઘરમાંથી ગળુ કાપેલી હાલતમાં લાશ મળી આવી હતી. ધોળે દિવસે હત્યાનો બનાવ બનતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. હત્યાનો ગુનો નોંધી અલગ અલગ દિશામાં તપાસ શરૂૂ કરી હતી.
સુનિતાબેનની હત્યા બાદ પોલીસ જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે ઘરમાંથી ચા પીધા બાદ ત્રણ ખાલી રકાબી મળી આવી હતી. પોલીસે તપાસ કરતા બનાવના દિવસે સાંજના સમયે મૃતક મહિલા અને તેના દીકરા દિલીપે સાથે બેસીને ચા પીધી હતી. સામાન્ય રીતે આ ઘરમાં એક કામવાળા બહેન રસોઈ અને વાસણનું કામ કરવા આવતા હતા, જેઓ પોતાનું રોજિંદું કામ પતાવીને જતા રહ્યા હતા. જો કે, ઘટનાસ્થળની બારીકાઈથી તપાસ કરતી વખતે પોલીસની નજરે એક બાબત આવી જેમાં રસોડાના પ્લેટફોર્મ પર ચા પીધા બાદ ધોયા વગરની ત્રણ રકાબી પડી હતી. જો કામવાળા બહેન પહેલેથી જ કામ પતાવીને ગયા હોય અને ઘરમાં માત્ર વૃદ્ધા અને તેનો દીકરો જ હાજર હોય, તો આ ત્રીજી રકાબી કોની હતી ? આ સવાલે પોલીસની શંકાની સોય અજાણ્યા મહેમાન તરફ ફેરવી દીધી અને તપાસ વધુ તેજ કરવામાં આવી હતી.
ત્રીજી રકાબીના આ રહસ્યને ઉકેલવા જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. કુણાલ પટેલ અને તેમની ટીમે આસપાસના કેટલાક નજીકના શકમંદોની કડક પૂછપરછ હાથ ધરી હતી. આ પૂછપરછ દરમિયાન મૃતકના પુત્રના મિત્ર સુરેશ ઉર્ફે કાનાની હિલચાલ શંકાસ્પદ જણાઈ હતી. પોલીસ દ્વારા જ્યારે તેની આગવી ઢબે અને ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી ત્યારે તે ભાંગી પડ્યો હતો અને સ્વીકાર્યું હતું કે તે જ દિવસે સાંજે તે સુનીતાબેનના ઘરે ગયો હતો અને આ ત્રીજી રકાબીમાં તેણે જ ચા પીધી હતી. આ રીતે માત્ર એક ખાલી રકાબીના આધારે પોલીસે આ અંધારા ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો અને ગિરિરાજ વિસ્તારમાં જ રહેતા આરોપી સુરેશ ઉર્ફે કાના વાધવાણીની ધરપકડ કરી લીધી હતી.
પોલીસે આરોપીની પૂછપરછ કરતા જાણવા મળ્યું છે કે, આરોપી સુરેશ ઉર્ફે કાનો વાઘવાણી મૃતક મહિલા સુનીતાબેનના દીકરા દિલીપનો પરમ મિત્ર હતો. સુરેશ અગાઉ જૂનાગઢ શહેરના માંગનાથ વિસ્તારમાં કપડાની એક દુકાન ચલાવતો હતો. જો કે, થોડા સમય પહેલાં તેણે પોતાની આ ચાલતી દુકાન બંધ કરી દીધી હતી અને ટૂંકા સમયમાં વધુ પૈસા કમાવવાની લાલચમાં શેરબજારમાં સટ્ટો રમવાનું શરૂૂ કર્યું હતું. માર્ચ અને એપ્રિલ મહિનાના સમયગાળા દરમિયાન શેરબજારમાં તેને ભારે નુકસાનીનો થઈ હતી.જેમાં તે અંદાજે 3.75 લાખ રૂૂપિયાની હારી ગયો હતો અને આર્થિક સંકટમાં આવી ગયો હતો.
પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, મૃતક મહિલાના પુત્ર દિલીપની માંગનાથમાં કાપડની દુકાન હોવાથી તેના પતિ અને પુત્ર બંને નિયમિત રીતે ધંધા અર્થે દુકાને જતા રહેતા હતા. આરોપી સુરેશ દિલીપનો ખાસ મિત્ર હોવાને કારણે તેને આ પરિવારની તમામ રોજિંદી હલનચલન, કોણ ક્યારે ઘરે હોય છે અને ક્યારે બહાર જાય છે, તેની પૂરતી અને ચોક્કસ માહિતી હતી. આ આયોજનબદ્ધ ગુનાને અંજામ આપ્યા બાદ પોલીસને પોતાના પર જરાય શંકા ન જાય તે માટે આરોપી સુરેશે અત્યંત શાતિર ચાલ ચાલી હતી. તે વૃદ્ધાની અંતિમવિધિથી લઈને ત્યાર પછીના તમામ સામાજિક કાર્યોમાં પરિવારની સાથે જ રહ્યો હતો અને શોકાતુર પરિવારને સાંત્વના આપતો રહ્યો હતો જેથી પોલીસની ગતિવિધિઓ પર પણ નજર રાખી શકાય, પરંતુ આખરે કાયદાના લાંબા હાથથી તે બચી શક્યો નહીં.
