દંપતીએ ધરાર પ્રેમીને મોતને ઘાટ ઉતારી લાશ ફેંકી દીધી

નારણકા પાસે જંગલ ખાતાની વીડીમાંથી મળેલી લાશનો ભેદ ઉકેલાયો, યુવકને ઘરે બોલાવી હત્યા કર્યાનું ખુલ્યુ કોટડાસાંગાણી તાલુકાના નારણકા ગામ નજીક ફોરેસ્ટની વીડીમાં બે દિવસ પૂર્વે…

નારણકા પાસે જંગલ ખાતાની વીડીમાંથી મળેલી લાશનો ભેદ ઉકેલાયો, યુવકને ઘરે બોલાવી હત્યા કર્યાનું ખુલ્યુ

કોટડાસાંગાણી તાલુકાના નારણકા ગામ નજીક ફોરેસ્ટની વીડીમાં બે દિવસ પૂર્વે એક અજાણ્યા યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. આ મામલે રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી.એ ગણતરીના કલાકોમાં સીસીટીવી કેમેરાની મદદથી આ ગૂંચવાયેલા મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ ક્રૂર હત્યાના ગુનામાં સંડોવાયેલા યુપીના વતની એવા શાપરના દંપતીની ધરપકડ કરવામાં આવી છે.ધરાર પ્રેમીને ઘરે મળવા બોલાવી તેની હત્યા કરી દંપતીએ લાશને નારણકા ગામ નજીક ફોરેસ્ટની વીડીમાં ફેકી દીધી હતી.

મળતી વિગતો મુજબ ગામ નજીક ફોરેસ્ટની વીડીમાં બે દિવસ પૂર્વે એક અજાણ્યા યુવાનની હત્યા કરાયેલી લાશ મળી હતી જેમાં ગ્રામ્ય એલસીબીની ટીમે મૃતકની ઓળખ મેળવી હતી મૃતક વિજયદાસ વસંતદાસ દુધરેજીયા હોવાની અને તે રીક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી સુરેન્દ્ર શ્યામબિહારી પ્રસાદ (ઉં.વ. 46) અને તેની પત્ની રીટા (ઉં.વ. 40) એ મળીને વિજયદાસનું કાસળ કાઢી નાખ્યું હતું. હત્યાનું મુખ્ય કારણ મૃતક વિજયદાસ અને આરોપીની પત્ની રીટા વચ્ચેના પ્રેમ સંબંધો હોવાનું જાણવા મળ્યું છે. જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે આ અંગે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, આરોપી સુરેન્દ્ર અને તેનો પરિવાર અગાઉ પાળ પીપળીયા ગામે રહેતા હતા. ત્યારે તેમના ઘરની સામે જ મૃતક વિજયદાસ રહેતો હતો. આ દરમિયાન વિજયદાસ અને સુરેન્દ્રની પત્ની રીટા વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. આ બાબતની જાણ સુરેન્દ્રને થતા દોઢેક વર્ષ પહેલા તે પરિવાર સાથે શાર્પર નજીકના ગુંદાસરા ગામે રહેવા આવી ગયો હતો. તેમ છતાં, વિજયદાસ અને રીટા વચ્ચેના સંબંધો ચાલુ રહ્યા હતા. વિજયદાસ અવારનવાર રીટાને મળવા ગુંદાસરા જતો હતો અને તેને એક મોબાઈલ ફોન પણ આપ્યો હતો.

ગઈ તારીખ 8ના રોજ રીટા તેના પ્રેમી વિજયદાસ સાથે ફોન પર વાત કરી રહી હતી ત્યારે સુરેન્દ્રએ તેને રંગેહાથ પકડી લીધી હતી. આ બાબતે પતિ-પત્ની વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. સુરેન્દ્રએ વિજયદાસને પાઠ ભણાવવા માટે પત્ની પાસે જ તેને ફોન કરાવ્યો હતો. રીટાએ વિજયદાસને ફોન કરી ઘરે બોલાવ્યો હતો રીટાએ કહ્યું કે, “મારો પતિ આજે રાત્રે નોકરી પર જવાનો છે, તેથી તું ઘરે આવજે.”પોતાની રીટાએ બોલાવ્યા મુજબ વિજયદાસ મોડી રાત્રે અઢી વાગ્યે તેમના ઘરે પહોંચ્યો હતો. ત્યાં છુપાઈને બેઠેલા સુરેન્દ્રએ અચાનક વિજયદાસના માથામાં લોખંડના પાઈપનો જીવલેણ ઘા ઝીંકી દીધો હતો. વિજયદાસ લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડતા સુરેન્દ્ર અને રીટાએ મળીને તેના હાથ-પગ બાંધી દીધા હતા. ત્યારબાદ જીવિત હાલતમાં જ તેને પોતાની સ્વીફ્ટ કારની ડેકીમાં નાખી નારણકા ગામની વીડીમાં લઈ ગયા હતા.

ત્યાં તેને કારમાંથી નીચે ઉતારી ગળાના ભાગે કુહાડાના ત્રણ ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. હત્યા બાદ દંપતી કાર લઈને ઘરે પરત ફર્યું હતું. જોકે, પોલીસ તપાસ દરમિયાન શાપર નજીક લગાવેલા સરકારી સીસીટીવી કેમેરામાં મધરાતે પસાર થતી એક શંકાસ્પદ સ્વીફ્ટ કાર દેખાઈ હતી. કેમેરામાં કારના નંબર મળી જતા પોલીસે તેની તપાસ કરી હતી, જેના આધારે એલ.સી.બી. પીઆઈ જે.પી. રાવ અને પીએસઆઈ એચ.સી. ગોહિલની ટીમે આરોપીઓની ઓળખ મેળવી સુરેન્દ્ર અને રીટાને ઝડપી પાડ્યા હતા. પોલીસે ગુનામાં વપરાયેલી સ્વીફ્ટ કાર અને હથિયારો પણ કબજે કર્યા છે. મૃતક વિજયદાસને સંતાનમાં એક પુત્ર છે અને તેની પત્ની સાથે છૂટાછેડા થવાથી તે અલગ રહેતો હતો.

હાલમાં આ મામલે કોટડાસાંગાણી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.રાજકોટ રેંજ આઈજી નિર્લિપ્ત રાય અને જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરની સુચનાને આધારે રાજકોટ ગ્રામ્યના એલ.સી.બી. પી.આઈ જે.પી.રાવ સાથે પીએસઆઈ એચ.સી.ગોહિલ, કે.એમ.ચાવડા, આર.વી.ભીમાણી , પી.એન. ભરવાડ,એ.એસ.આઇ. બાલકૃષ્ણ અનંતરાય ત્રિવેદી, ઇન્દ્રસિંહ સજુભા જાડેજા, જયવિરસિંહ ચંદુભા રાણા, અનિલભાઇ રવજીભાઇ ગુજરાતી, અમીતસિંહ અજીતસિંહ જાડેજા, પ્રહલાદસિંહ ભગવાનસિંહ રાઠોડ, ધર્મેન્દ્રભાઇ વરજાંગભાઇ ચાવડા, ભાવેશભાઇ કાથડભાઇ ચાવડા, મનિષભાઇ મુળુભાઇ વરૂ, મનદીપસિંહ રેવતુભા જાડેજા, ભારતીબા રાજેન્દ્રસિંહ સરવૈયા, ભાવેશભાઇ વલ્લભભાઇ મકવાણા, વિજયભાઇ સિંહાર, મહેન્દ્રસિંહ સોલંકી, વિજયભાઇ ખડીયા, રજાકભાઇ બિલખીયા તથા અબ્દુલભાઇ શેખ તથા નેત્રમ શાખા રાજકોટ ગ્રામ્યના જાગ્રુતીબેન ડાંગર સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *