સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી સહિત તમામ શાળાઓ માટે સરકારનો પરિપત્ર
રાજ્યની સરકારી, અનુદાનિત અને ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધોરણ-1માં પ્રવેશ મેળવવા ઈચ્છતા બાળકો અને તેમના વાલીઓ માટે શિક્ષણ વિભાગે અત્યંત મહત્વનો નિર્ણય લીધો છે. હવેથી ધોરણ-1માં પ્રવેશ માટે બાળવાટિકા પૂર્ણ કર્યાનું પ્રમાણપત્ર માંગવામાં આવશે નહીં.
પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા તમામ શાળાઓને આ અંગે કડક અમલવારી કરવાનો આદેશ આપતો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેથી કોઈપણ બાળક માત્ર પ્રમાણપત્રના અભાવે શિક્ષણથી વંચિત ન રહે.
શિક્ષણ વિભાગના પરિપત્ર અનુસાર, મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ-2009 (RTE)ની કલમ-14 તથા ગુજરાત આરટીઈ નિયમો-2012ની જોગવાઈઓને ટાંકીને સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ધોરણ-1માં પ્રવેશ માટે માત્ર બાળકની ઉંમર જ મુખ્ય આધાર ગણાશે. બાળકની વય મર્યાદાની ચકાસણી માટે જન્મનું પ્રમાણપત્ર અથવા કાયદા મુજબ માન્ય અન્ય અધિકૃત દસ્તાવેજો જ સ્વીકારવાના રહેશે.
વધુમાં, નિયામક કચેરીએ એ પણ સ્પષ્ટતા કરી છે કે જો કોઈ બાળક પાસે ઉંમરનો પુરાવો ઉપલબ્ધ ન હોય, તો પણ માત્ર તે જ કારણસર તેને શાળામાં પ્રવેશ આપવાનો ઇનકાર કરી શકાશે નહીં. પરિપત્રમાં શાળાઓ માટે કડક ચેતવણી ઉચ્ચારવામાં આવી છે કે બાળવાટિકાનું પ્રમાણપત્ર ન હોવાના બહાને જો કોઈ સરકારી, ગ્રાન્ટેડ કે ખાનગી શાળા પ્રવેશમાં અડચણ ઉભી કરશે અથવા બાળકના પ્રવેશનો અનાદર કરશે, તો તેને આરટીઈ અધિનિયમની કલમ-14નો સીધો ભંગ માનવામાં આવશે.
આવી નિષ્કાળજી દાખવનાર કે નિયમોનું ઉલ્લંઘન કરનાર શાળા સામે કાયદાકીય જોગવાઈઓ મુજબ શિસ્તભંગ અને દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પ્રાથમિક શિક્ષણ નિયામકે રાજ્યના તમામ DEO અને DPEOને આ આદેશનો તાત્કાલિક અને ચુસ્તપણે અમલ કરાવવા સૂચના આપી છે. આ પરિપત્ર તમામ શાળાઓ સુધી પહોંચાડવા માટે પણ આદેશ આપવામાં આવ્યો છે, જેથી વાલીઓને પ્રવેશ પ્રક્રિયા દરમિયાન અનાવશ્યક મુશ્કેલીઓ કે હેરાનગતિનો સામનો કરવો ન પડે.
