જામનગર જિલ્લાના ધ્રોલમાં એક તસ્કરી નો બનાવ બન્યો છે, અને એક સરદારજી શખ્સ કબાટનો લોક રીપેર કરવાના બહાને એક ભરવાડ મહિલાના ઘરમાં ઘૂસ્યો હતો, અને પ્રૌઢ મહિલાને રસોડામાં તેલ લેવા મોકલાવ્યા બાદ પાછળથી તિજોરીમાં રાખેલા 4.36 લાખની કિંમતના સોના ચાંદીના ઘરેણાંની ઉઠાંતરી કરી જઈ ભાગી છુટ્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવતાં ધ્રોલ પોલીસ અજાણ્યા સરદારજી શખ્સને શોધી રહી છે. આ બનાવ ની વિગતો એવી છે કે ધ્રોલ ટાઉનમાં પડધરીના નાકા વિસ્તારમાં આવેલ વાણીયા ચોક ખાતે એક વૃદ્ધ મહિલાના ઘરે લોક રીપેરના બહાને ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે.
આ અંગે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. ફરીયાદ મુજબ, જાનીબેન ભલાભાઇ ભુડીયા (ઉ.વ. 51), રહે. વાણીયા ચોક, ધ્રોલ, પોતાના ઘરે હાજર હતા ત્યારે એક અજાણ્યો સરદારજી વ્યક્તિ લોક રીપેર કરવા આવ્યો હતો. ફરીયાદીએ પોતાના કબાટનો લોક રીપેર કરવા માટે તેને બોલાવ્યો હતો અને ચાવીઓનો ઝુંડો આપ્યો હતો. આ દરમિયાન આરોપીએ લોક રીપેરિંગના બહાને મહિલાને તેલ લેવા માટે રૂૂમ ની બહાર રસોડામાં મોકલી દીધી હતી. ફરીયાદી બહાર ગયાના સમય દરમિયાન આરોપીએ તકનો લાભ લઈ કબાટની અંદરની તિજોરીમાંથી સોના-ચાંદીના દાગીના ચોરી લીધા હતા. ત્યારબાદ તિજોરી ની એક મુખ્ય ચાવી પોતાની સાથે લઈ ગયો હતો, અને સાંજે ફરીથી આવીને નવી ચાવી બનાવી આપીશ એમ કહીને નીકળી ગયો હતો.
ત્યારબાદ સાંજે પરત નહીં ફરતાં ભરવાડ પરિવારને શંકા ગઈ હતી, અને તેઓએ લોખંડના સળિયા વડે તિજોરીને તોડી નાખી હતી, અને અંદર ચેક કરતાં અંદરથી તમામ ઘરેણા ગાયબ થઈ ગયા હતા. ચોરી ગયેલ માલમાં અંદાજે 5 તોલાનો સોનાનો હાર (રૂૂ. 3,50,000), 1 તોલાનું સોનાનું પેન્ડલ (રૂૂ. 40,000), આશરે 300 ગ્રામના ચાંદીના સાંકળા (રૂૂ. 30,000) તેમજ આશરે 250 ગ્રામનું ચાંદીનું કંડુ (રૂૂ. 16,000) મળી કુલ રૂૂ. 4,36,000ના દાગીના સામેલ છે. આ બનાવ અંગે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ 303(2) મુજબ ગુનો નોંધાયો છે. પોલીસે અજાણ્યા આરોપીને પકડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
