ધોરાજીના વાવડી ગામે રહેતો પરપ્રાંતિય યુવાન બે મહિના પહેલા પતરા સાફ કરવા ચડયો હતો ને ઉપરથી પટકાતા ગંભીર ઈજા થતાં સારવારમાં ખસેડાયો હતો. જેનું સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.
જાણવા મળતી વિગત મુજબ મુળ મધ્યપ્રદેશનો વતની અને હાલ ધોરાજીનાં વાવડી ગામે રહેતો રાકેશ સકારામ દાવત (ઉ.23) નામનો યુવાન બે મહિના પહેલા પોતાની ઓરડીના પતરા સાફ કરવા ઉપર ચડયો હતો ત્યારે બે માળની ઉંચાઈએથી અકસ્માતે પડી જતાં તેને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજા થતાં સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જેનું ચાલુ સારવાર દરમિયાન આજે મોત નિપજ્યું હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી ધોરાજી પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક બે ભાઈ બે બહેનમાં નાનો અને તેને સંતાનમાં બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. તેની પત્નીને સારા દિવસો ચાલતા હોવાથી પ્રસુતિ કરવા વતન ગઈ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવથી પરપ્રાંતિય પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
બિમારી સબબ બે યુવાનના મૃત્યુ
નાનામવા ગામે રહેતા પૃથ્વીરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા (ઉ.35) નામના યુવાનનું બિમારી સબબ બેભાન થઈ જતાં મોત નિપજ્યું હતું. જ્યારે સંતકબીર રોડ પર ન્યુ ગાંધી સોસાયટીમાં રહેતાં નારણભાઈ બાબુભાઈ રૈયાણી (ઉ.31) નામના યુવાનનું બિમારી સબબ મોત થયું હતું.
