ઈન્ડિયન બેંકમાંથી 1.15 કરોડનું સોનુ ગાયબ થવા મામલે દંપતીની હાઈકોર્ટમાં ધા : SIT તપાસની માંગ

શહેરની ઈન્ડીયન બેંકમાં લોકરમાં મુકેલા રૂા.1.15 કરોડના સોનાના દાગીના ગુમ થઈ જવાના બનાવમાં લોકર માલીક દંપતિએ હાઈકોર્ટમાં ઘા નાખી આ બનાવમાં એસઆઈટી તપાસની માંગ કરી…

શહેરની ઈન્ડીયન બેંકમાં લોકરમાં મુકેલા રૂા.1.15 કરોડના સોનાના દાગીના ગુમ થઈ જવાના બનાવમાં લોકર માલીક દંપતિએ હાઈકોર્ટમાં ઘા નાખી આ બનાવમાં એસઆઈટી તપાસની માંગ કરી છે. બેંકની ઘોરબેદરકારી અને પોલીસની પક્ષપાતિ તપાસનો આરોપ કરી હાઈકોર્ટમાં ન્યાયીક કાર્યવાહી અને સંપૂર્ણવળતર મેળવવા માટે અપીલ કરવામાં આવી છે.

આ મામલે રાજકોટના સંગીતા શ્યામભાઈ શાહ અને શ્યામ મધુભાઈ શાહ નામના દંપતીએ ગુજરાત હાઈકોર્ટમાં વિશેષ તપાસ દળ (SIT) દ્વારા સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસની માગણી સાથે અરજી દાખલ કરી છે. અરજદારોએ બેંકની ઘોર બેદરકારી અને પોલીસની તપાસમાં નિષ્ક્રિયતા તેમજ પક્ષપાતનો ગંભીર આરોપ લગાવ્યો છે.
અરજદારોએ ઇન્ડિયન બેંક, રાજકોટ શાખામાંથી MSME જ્વેલ લોન (ગોલ્ડ લોન) લીધી હતી અને તેઓ નિયમિતપણે વ્યાજ ચૂકવી રહ્યા હતા. 28 ઓક્ટોબર 2025ના રોજ, તેમણે લોન રિન્યુઅલ માટે અરજી કરી. જોકે, બેંકે 29 ઓક્ટોબર 2025ના પત્ર દ્વારા તેમને જાણ કરી કે તેમના ગીરવે મુકેલા સોનાના દાગીના “ખોવાઈ ગયા” છે, જેના કારણે લોન રિન્યુ કરી શકાશે નહીં. બેંકના જણાવ્યા મુજબ, આ દાગીના માર્ચ 2025 થી ગુમ છે, પરંતુ તેની જાણ અરજદારોને લોન રિન્યુઅલ સમયે જ કરવામાં આવી હતી.

દંપતીનો આરોપ છે કે દાગીના ગુમ થયાની જાણ થયા પછી પણ બેંક દ્વારા કોઈ સંતોષકારક ખુલાસો કે કાર્યવાહી કરવામાં આવી ન હતી. 22 જુલાઈ 2025ના રોજ તેમણે બેંક અધિકારીઓ અને પોલીસનો સંપર્ક કર્યો, પરંતુ તેમને કોઈ માહિતી આપવામાં આવી ન હતી. આખરે, 18 ડિસેમ્બર 2025ના રોજ, રાજકોટ શહેરના ’એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી, જે દાગીના ગુમ થયાની જાણ થયાના લગભગ 9 મહિના અને બેંકની અરજીના 5 મહિના પછી થઈ.

અરજદારોએ તેમની અરજીમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે પોલીસની તપાસ પણ અત્યંત પક્ષપાતી અને અધૂરી રહી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે બેંકના વરિષ્ઠ અધિકારીઓએ ગીરવે મુકેલા સોનાનો દુરુપયોગ કર્યો છે અને બેંકના સ્ટ્રોંગ રૂૂમની ચાવીઓ “પટ્ટાવાળા” જેવા બિન-અધિકૃત વ્યક્તિઓને સોંપી દેવામાં આવી હતી, જે બેંકના સુરક્ષા પ્રોટોકોલનું ઘોર ઉલ્લંઘન છે. દંપતીએ ₹1.15 કરોડના સોનાના સંપૂર્ણ વળતર ઉપરાંત મેકિંગ ચાર્જ, કિંમતી પથ્થરો અને થયેલા નાણાકીય તેમજ ભાવનાત્મક નુકસાન માટે પણ વળતરની અપીલ કરી છે. આ ઘટના બેંકિંગ સિસ્ટમમાં જાહેર વિશ્વાસને ગંભીર નુકસાન પહોંચાડે છે અને તેથી સ્વતંત્ર તપાસ અનિવાર્ય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *