લાંબા સમયની માંદગી બાદ વાડીમાં ઝાડ સાથે દોરડું બાંધી ફાંસો ખાધો
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નિકાવા ગામ નજીક દુ:ખદ બનાવ સામે આવ્યો છે, જેમાં માનસિક બિમારીથી પીડાતા એક વ્યક્તિએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
મળતી માહિતી મુજબ, નિકાવા ગામના રહેવાસી હુશેન હાસમભાઈ નકાણી (ઉ.વ. 40), જે મજૂરી કામ કરતા હતા, તેઓ લાંબા સમયથી માનસિક બિમારીથી પીડાતા હતા. તા. 16/04/2026ના રોજ સાંજના 20:30 વાગ્યાથી તા. 17/04/2026ના સવારે 09:30 વાગ્યાની વચ્ચે, નિકાવાથી પીપર ગામ જવાના રસ્તે આવેલ જેન્તીભાઈ જસમતભાઈ સેખાવયાની વાડી ખાતે તેમણે દેશી બાવળના ઝાડની ડાળ સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો.
આ ઘટનાની જાણ થતાં પરિવારજનોએ પોલીસને માહિતી આપી હતી. બનાવ અંગે કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં બી.એન.એસ.એસ. કલમ 194 મુજબ નોંધ કરવામાં આવી છે.
મૃતકના ભાઈ હનીફભાઈ હાસમભાઈ નકાણી (ઉ.વ. 45) દ્વારા બનાવની જાણ કરવામાં આવી હતી. હાલ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તપાસ એ.એસ.આઈ. પી.પી. જાડેજા દ્વારા કરવામાં આવી રહી છે.
