શહેરમાં કરણસિંહજી હાઈસ્કૂલ પાસે સસરા જમાઈ વચ્ચે નજીવા પ્રશ્ર્ને મારામારી થઈ હતી. જેમાં બન્નેને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડાયા હતાં. રિસામણે બેઠેલી પત્ની પાસે રહેલા પુત્રને રમાડવા આવતાં સસરાએ માર માર્યો હોવાનો જમાઈએ આક્ષેપ કર્યો છે. જ્યારે રિસામણે બેઠેલી પુત્રીને જમાઈ માર મારતો હતો. તે દરમિયાન વચ્ચે પડતાં જમાઈએ માર માર્યો હોવાનો સસરાએ આરોપ લગાવ્યો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ગોંડલના ભુણાવા ગામે રહેતાં રઘુભાઈ બચુભાઈ પરમાર (ઉ.63) સાંજના સમયે કરણસિંહજી હાઈસ્કૂલ પાસે હતા ત્યાં જમાઈ સંજય મકવાણાએ પથ્થર વડે માર માર્યો હતો. જ્યારે વળતા પ્રહારમાં સંજયભાઈ ભીમાભાઈ મકવાણા (ઉ.27) ઉપર સસરા રઘુભાઈ પરમારે છરી વડે હુમલો કર્યો હતો. મારામારીમાં ઘવાયેલા સસરા જમાઈએ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતાં. પ્રાથમિક તપાસમાં રિસામણે બેઠેલી પત્ની પાસે રહેલા પુત્રને રમાડવા આવતાં સસરાએ માર માર્યો હોવાનો જમાઈએ આક્ષેપ કર્યો છે. જ્યારે રિસામણે બેઠેલી પુત્રીને જમાઈ માર મારતો હતો. તે દરમિયાન વચ્ચે પડતાં જમાઈએ માર માર્યો હોવાનો સસરાએ આરોપ લગાવ્યો છે.
આ ઉપરાંત બીજા બનાવમાં મેટોડા જીઆઈડીસીમાં આવેલા અંજલી પાર્કમાં રહેતાં વિજય મેરૂભાઈ મોકરડીયા (ઉ.36) પોતાના ઘર પાસે હતો ત્યારે રાજુ અને મહારાજ નામના શખ્સે ઝઘડો કરી છરી અને પથ્થર વડે માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરાયો હતો.
