ગાંધીગ્રામ શેરી નંબર 1 માં રહેતા 60 વર્ષીય જયરાજભાઈ મુળુભાઈ વાળા રાત્રીના આશરે 10:30 વાગ્યાના સુમારે પોતાના ઘરે હાજર હતા, ત્યારે કમલેશભાઈ, બાબુભાઈ, રાજુભાઈ અને તેમની સાથેના અન્ય શખ્સોએ આવીને તેમની સાથે ઉગ્ર બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો. આ વિવાદ એટલો વકર્યો હતો કે ઉશ્કેરાયેલા શખ્સોએ લોખંડના પાઈપ વડે જયરાજભાઈ પર હુમલો કરી દીધો હતો, જેમાં તેમને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ઘટનાની વિગતો મુજબ, જયરાજભાઈ ’સૂર્યા ડિશ કનેક્શન’ નામે પોતાનો વ્યવસાય ચલાવે છે અને સંતાનમાં તેમને બે પુત્રો છે. હુમલા પાછળનું કારણ જણાવતા જાણવા મળ્યું છે કે, જયરાજભાઈના ઘરની નજીક આવેલ ગંગેશ્વર મહાદેવના મંદિરે આરોપીઓ દ્વારા એક જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પૂજારીએ એક ટેબલની માંગણી કરી હતી, જે આપ્યા બાદ આરોપીઓએ વધુ ટેબલની માંગણી કરતા બોલાચાલી થઈ હતી. આ મામૂલી વાતનું મનદુ:ખ રાખીને આરોપીઓએ વૃદ્ધ પર હુમલો કર્યો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ બહાર આવ્યું છે.
