નાણાકીય વર્ષની શરૂઆતમાં જ ગ્રાન્ટ રિલીઝ ન થતાં ભારે દેકારો, મહાસંઘે તાત્કાલિક માગણી કરતા સરકારે ફટકામાં ગ્રાન્ટ રીલીઝ કરી
ગુજરાતમાં આશરે એક લાખ પ્રાથમિક શિક્ષકોને હજુ આપેલા મહિનાનું વેતન નથી મળ્યું. નવા નાણાકીય વર્ષની શરૂૂઆતમાં જ વેતન ગ્રાન્ટ્સ રિલીઝ ન થવાને કારણે આ સ્થિતિ સર્જાઈ છે. સામાન્ય રીતે દર મહિને પાંચમી તારીખ સુધીમાં શિક્ષકોને વેતન મળી જતું હોય છે, પરંતુ આ વખતે ઘણા જિલ્લાઓમાં વેતન વિતરણ અટકી પડ્યું છે. રાજ્યમાં કુલ આશરે 1.72 લાખ પ્રાથમિક શિક્ષકો છે. જેમાંથી કેટલાક તાલુકાઓએ આંતરિક અથવા સ્વ-ઉત્પાદિત ભંડોળમાંથી આશરે 80 હજાર શિક્ષકોને વેતન આપી દીધું છે, પરંતુ મોટા ભાગના શિક્ષકો હજુ પણ વેતનની રાહ જોઈ રહ્યા છે.
આ વિલંબને કારણે અનેક શિક્ષકો આર્થિક તંગીમાં મુકાયા છે. ઘરખર્ચ, લોનની કિસ્તો, સંતાનોની ભણતરની ફી અને રોજિંદા જીવનના અન્ય ખર્ચ પૂરા કરવા માટે તેઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે. ઘણા શિક્ષકોના કુટુંબોમાં આ સ્થિતિને કારણે તણાવ વધી ગયો છે. આ મુદ્દે રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘે શિક્ષણ સચિવને રજૂઆત કરીને તાત્કાલિક પગલાં લેવા માગણી કરી હતી. મહાસંઘે વેતન ગ્રાન્ટ્સ તાત્કાલિક રિલીઝ કરવા અને આવી વિલંબિત સ્થિતિને રોકવા માટે જિલ્લાઓને અગાઉથી ગ્રાન્ટ્સ આપવાની વ્યવસ્થા કરવાની માંગ કરી હતી.
રજૂઆતના પગલે શિક્ષણ વિભાગે ત્વરિત કાર્યવાહી કરી છે. વિભાગે છ જિલ્લાઓને 139.80 કરોડ રૂૂપિયાની ગ્રાન્ટ જારી કરી છે. જેમાં અમદાવાદને 56.70 કરોડ, સુરતને 43.80 કરોડ, વડોદરાને 13.80 કરોડ, રાજકોટને 11.20 કરોડ, ભાવનગરને 9.50 કરોડ અને જામનગરને 4.80 કરોડ રૂૂપિયા આપવામાં આવ્યા છે. વળી, બાકીના 34 જિલ્લાઓને 1341.55 કરોડ રૂૂપિયાની ગ્રાન્ટ જારી કરવામાં આવી છે. આમ કુલ 1481 કરોડ રૂૂપિયાની ગ્રાન્ટ રાજ્યવ્યાપી વિતરિત કરવામાં આવી છે.
શિક્ષણ વિભાગના સૂત્રોએ જણાવ્યું છે કે આ ગ્રાન્ટ્સ જારી થયા પછી શિક્ષકોને તેમનું બાકી વેતન ટૂંક સમયમાં જ મળી જશે. જોકે મહાસંઘે આવી સમસ્યાને પુનરાવર્તિત ન થાય તે માટે વ્યવસ્થિત અને અગાઉથી ગ્રાન્ટ આપવાની પ્રક્રિયા અમલમાં મૂકવા પર ભાર મૂક્યો છે.
આ ઘટના શિક્ષણ વિભાગની વ્યવસ્થામાં સુધારાની જરૂૂરિયાત તરફ ધ્યાન દોરે છે. પ્રાથમિક શિક્ષકો રાજ્યના ભવિષ્યના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવે છે. તેમના વેતનમાં વિલંબ તેમના મનોબળ પર અસર કરી શકે છે. વાલીઓ અને શિક્ષણ વિદ્યાર્થીઓ પણ આ સ્થિતિને ચિંતાજનક માની રહ્યા છે. હવે જ્યારે ગ્રાન્ટ્સ જારી થઈ ગઈ છે ત્યારે શિક્ષકોને આશા છે કે તેમનું વેતન તાત્કાલિક વિતરિત થશે અને આવી અગવડતા ભવિષ્યમાં નહીં થાય
