ભાજપના ભુવા કાલે ધૂણશે, વિજય મુહૂર્તમાં નોંધાવશે ઉમેદવારી

આંતરિક ખેંચતાણના કારણે સત્તાવાર યાદીમાં છેલ્લી ઘડી સુધી સસ્પેન્સ, ટિકિટ નહીં માંગનાર અમુક નેતાઓને સામેથી આમંત્રણ ભાઇ-ભત્રીજા અને વફાદારોને ટિકિટ અપાવવા ધારાસભ્યો- નેતાઓના ધમપછાડાના કારણે…

આંતરિક ખેંચતાણના કારણે સત્તાવાર યાદીમાં છેલ્લી ઘડી સુધી સસ્પેન્સ, ટિકિટ નહીં માંગનાર અમુક નેતાઓને સામેથી આમંત્રણ

ભાઇ-ભત્રીજા અને વફાદારોને ટિકિટ અપાવવા ધારાસભ્યો- નેતાઓના ધમપછાડાના કારણે યાદી વિલંબમાં, સાંજ સુધીમાં ચિત્ર થશે સ્પષ્ટ, દાવેદારો અધ્ધરશ્ર્વાસે

રાજકોટ-RMCની ચૂંટણી માટે ભાજપનું ઉમેદવારોનું કોંકડું ગુચવાયું છે. બે વખત સંકલન થયાં બાદ આજે ફરી પાર્લામેન્ટ્રી બોર્ડમાં રાજકોટના નામોની ચર્ચા થઈ છે. ભાજપના માપદંડ અને નેતાઓના લોબીંગ વચ્ચે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં વિલંબ થઈ રહ્યો છે. ત્યારે આજે સાંજ સુધી યાદી તૈયાર થાય તેવી શક્યતા છે. પરંતું રાજકોટમાં લોબિંગને કારણે નિર્ણય લેવામાં વિલંબ થઈ રહ્યો છે.

ભાજપના માપદંડ પ્રમાણે જો મોટા નેતાની ટિકીટ કપાઇ તો તેના પ્રબળ ટેકેદારને ટિકીટ આપવા મથી રહ્યા છે. ત્રણ ટર્મ, પરિવારવાદ જેવા માપદંડોથી ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા જટિલ બની છે. રાજકોટમાં જુથવાદની અસર પણ જોવા મળી છે.

આજે સાંજ સુધીમાં ભાજપની સંપુર્ણ યાદી જાહેર થઇ જવાની શકયતા છે ત્યારે ભાજપના કાર્યકરોમાં કોણ ફાવશે અને કોણ કપાશે? તે અંગે ભારે ઉત્કંઠા જોવા મળી રહી છે. ભાજપના અનેક વર્તમાન કોર્પોરેટરોના અથવા તો બધાના નામો કપાઇ જાની શંકા-આશંકાઓ વચ્ચે ટિકિટ દાવેદારોના ધબકારા વધી ગયા છે તો અમુક ટિકિટ વાંચ્છુઓને તેમના ગોડફાધરોએ તૈયારી કરવા ટેલિફોનીક સુચના આપી દીધાનું જાણવા મળે છે.
રાજકોટ મનપા માટે ભાજપે હજુ સુધી સત્તાવાર રીતે ઉમેદવારોના નામોની જાહેરાત કરી નથી. તેમ છતાં સંગઠન દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા અને શક્તિ પ્રદર્શનની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

શહેર ભાજપના અગ્રણી વિરેન્દ્રસિંહ ઝાલાએ પક્ષમાં કોઈપણ પ્રકારના જૂથવાદ કે આંતરિક ખેંચતાણ હોવાની વાતોને સ્પષ્ટપણે નકારી કાઢી હતી. તેમણે જણાવ્યું હતું કે ઉમેદવારોના નામની જાહેરાત પ્રદેશ નેતૃત્વની એક લોકશાહી પ્રક્રિયાનો ભાગ છે અને ગમે તે ઘડીએ નામો જાહેર થઈ શકે છે. પરંતુ પક્ષનું સંગઠન અત્યારથી જ ચૂંટણી લડવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે.

આવતીકાલે વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભરવા માટે રાજકોટ શહેર ભાજપ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ નિમિત્તે શહેરના બહુમાળી ભવન ચોક ખાતે ’વિજય વિશ્વાસ સંમેલન’ યોજાશે. આ કાર્યક્રમની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરવા માટે આજે (10 એપ્રિલે) શહેર ભાજપના અગ્રણીઓ વિરેન્દ્રસિંહ ઝાલા, વલ્લભભાઈ દુધાત્રા અને રાજુભાઈ ધ્રુવ સહિતના નેતાઓએ સ્થળની મુલાકાત લીધી હતી. નેતાઓએ સભાના મંડપ, સ્ટેજ અને બેઠક વ્યવસ્થાનું નિરીક્ષણ કરીને કાર્યકરોને જરૂૂરી સૂચનાઓ આપી હતી. હજુ ઉમેદવારોના નામ બાકી હોવા છતાં આ પ્રકારે તૈયારીઓ કરવી એ ભાજપની કેડર-બેઝ્ડ કાર્યપદ્ધતિ અને આત્મવિશ્વાસ દર્શાવે છે.

આવતીકાલના કાર્યક્રમ અંગેની વિગતો આપતા તેમણે જણાવ્યું કે, રાજકોટનાં તમામ 18 વોર્ડના સંભવિત ઉમેદવારો અને હજારોની સંખ્યામાં કાર્યકરો રેલી સ્વરૂૂપે બહુમાળી ભવન ચોક ખાતે એકઠા થશે. જ્યાં પ્રથમ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે. ત્યારબાદ યોજાનારા સંમેલનમાં ભાજપ પોતાની તાકાતનું પ્રદર્શન કરશે. આ સંમેલન પૂર્ણ થયા બાદ તમામ ઉમેદવારો પોતાના સમર્થકો સાથે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવા માટે રવાના થશે.

ભાજપના આક્રમક અભિગમ સામે કોંગ્રેસ અને અન્ય પક્ષો પણ પોતાની રણનીતિ ઘડી રહ્યા છે, પરંતુ ભાજપે સંગઠનાત્મક સ્તરે વહેલી તૈયારીઓ કરીને પ્રચારમાં પ્રભુત્વ મેળવવાનો પ્રયાસ કર્યો છે. પેજ સમિતિથી લઈને શહેરના હોદ્દેદારો સુધીના તમામ સ્તરે કાર્યકરોને સક્રિય કરી દેવામાં આવ્યા છે. ભાજપ માટે વ્યક્તિ કરતા પક્ષનું નિશાન ’કમળ’ મહત્વનું હોવાનો સંદેશ આ શક્તિ પ્રદર્શન દ્વારા આપવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. આવતીકાલે ફોર્મ ભરાયા બાદ રાજકોટમાં ચૂંટણી જંગ વધુ તેજ બનશે અને રાજકીય ગતિવિધિઓ નવા વળાંક લેશે તેવી પૂરી શક્યતા છે.

કોણે કોના માટે ટિકિટ માંગી
સાંસદ પરષોત્તમ રુપાલા – તેના પીએ મનીષ ભટ્ટ માટે – વોર્ડ નંબર 11 માં કડવા પાટીદાર માટે
પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પટેલ – તેમના પુત્ર કિશન પટેલ માટે
ભાજપના નેતા કશ્યપ શુક્લ- તેમના ભાઇ નેહલ શુક્લ માટે
ધારાસભ્ય ઉદય કાનગડ – હેમુ ભરવાડ અને નિલેશ જલુ માટે. આ ઉપરાંત વોર્ડ નંબર 4 અને 5 માં તેની ટીમના કાર્યકર્તાને ગોઠવવા
ધારાસભ્ય ડો.દર્શિતા શાહ- ઘનશ્યામ હેરભા માટે
પૂર્વ પ્રમુખ કમલેશ મિરાણી – વિક્રમ પુજારા, પ્રદિપ ડવ માટે લોબિંગ
પૂર્વ શાસક પક્ષના નેતા વિનુ ઘવા – તેના પુત્ર પિયુષ ઘવા માટે
વજુભાઇ વાળા – તેના પીએ તેજસ ભટ્ટી માટે
પૂર્વ ધારાસભ્ય રમેશ રૂૂપાપરા – જયમીન ઠાકર,પરેશ ઠાકર અને કેતન પટેલ માટે
પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલ – બીપીન બેરા માટે
પૂર્વ કોર્પોરેટર બાબુ મકવાણા – તેના પુત્ર અને પુત્ર વધુ માટે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *