વોકિંગમાં નીકળેલા જૈન અગ્રણીનું કારની ઠોકરે મોત

રાજકોટના કાલાવડ રોડની ઘટના, પોલીસે કારના ચાલકને સકંજામાં લીધો રાજકોટ શહેરમાં બેફામ ગતિએ દોડતા વાહનો નિર્દોષ નાગરિકો માટે કાળ સમાન સાબિત થઈ રહ્યા છે. ત્યારે…

રાજકોટના કાલાવડ રોડની ઘટના, પોલીસે કારના ચાલકને સકંજામાં લીધો

રાજકોટ શહેરમાં બેફામ ગતિએ દોડતા વાહનો નિર્દોષ નાગરિકો માટે કાળ સમાન સાબિત થઈ રહ્યા છે. ત્યારે આજે વહેલી સવારે શહેરના અત્યંત વ્યસ્ત ગણાતા કાલાવડ રોડ પર વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. યુનિવર્સિટી રોડ પર આવેલા રામકૃષ્ણ એપાર્ટમેન્ટ, જલારામનગર-1 માં રહેતા અને જૈન સમાજના જાણીતા અગ્રણી 73 વર્ષીય ચંદ્રકાન્તભાઈ ભોગીલાલ કામદાર દરરોજની જેમ આજે વહેલી સવારે મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા. તેઓ જ્યારે કાલાવડ રોડ પર સ્વામિનારાયણ મંદિર નજીક રાધિકા જ્વેલર્સ પાસેથી ચાલીને પસાર થઈ રહ્યા હતા, ત્યારે એક અજાણી કારના ચાલકે ગફલતભરી રીતે વાહન ચલાવી તેમને જોરદાર ઠોકર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ચંદ્રકાન્તભાઈ રોડ પર ફંગોળાયા હતા અને તેમને માથા તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.

અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક માનવતા નેવે મૂકીને પોતાની કાર સાથે ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં પડેલા ચંદ્રકાન્તભાઈને સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલના બિછાને ટૂંકી સારવાર દરમિયાન તેમણે દમ તોડ્યો હતો. તબીબોએ તેમને મૃત જાહેર કરતા પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયો હતો.

મૃતક ચંદ્રકાન્તભાઈ કામદારના જીવન પર નજર કરીએ તો, તેઓ અગાઉ રાજકોટમાં ઓટોમોબાઈલ બિઝનેસ સાથે ખૂબ જ સક્રિય રીતે જોડાયેલા હતા. વ્યવસાયિક ક્ષેત્રે તેમણે લાંબો સમય સેવાઓ આપી હતી અને અત્યારે તેઓ નિવૃત જીવન ગાળી રહ્યા હતા. તેઓ પરિવારમાં ખૂબ જ લોકપ્રિય હતા. ચંદ્રકાન્તભાઈ છ ભાઈઓ અને ચાર બહેનોના વિશાળ પરિવારમાં સૌથી નાના હતા, જેના કારણે સમગ્ર પરિવારમાં તેઓ સૌના પ્રિય હતા. તેમના સંતાનોમાં એક પુત્ર અને એક પુત્રી છે.

પિતાના આકસ્મિક નિધનથી સંતાનોએ પણ છત્રછાયા ગુમાવી છે. તેમના સ્વભાવની નમ્રતા અને સમાજસેવાની ભાવનાને કારણે તેઓ જૈન અગ્રણી તરીકે ઉભરી આવ્યા હતા.

ચંદ્રકાન્તભાઈના મૃત્યુના સમાચાર વાયુવેગે પ્રસરતા જ તેમના મિત્રો, સગા-સંબંધીઓ અને જૈન સમાજના અનેક અગ્રણીઓ મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂૂમ ખાતે ઉમટી પડ્યા હતા.હાલમાં પોલીસે આ મામલે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂૂ કરી છે. પોલીસનું કહેવું છે કે ટૂંક સમયમાં જ અકસ્માત સર્જી નાસી જનાર શખ્સને ઝડપી લેવામાં આવશે. ચંદ્રકાન્તભાઈના આકસ્મિક નિધનથી જૈન સમાજને ક્યારેય ન પુરાય તેવી ખોટ પડી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *