કોલકીમાં પ્રેમલગ્નનો ખાર રાખી યુવક અને તેની પત્ની પર હુમલો: સાત શખ્સો સામે ગુનો દાખલ

પ્રેમલગ્ન કરનાર યુવકના ભાઈના ઘરે ઘૂસીને માર માર્યો હોવાની ફરિયાદ ઉપલેટા તાલુકાના કોલકી ગામે પ્રેમલગ્ન બાબતે મનદુ:ખ રાખી એક દલિત પરિવાર પર હુમલો કરવામાં આવ્યો…

પ્રેમલગ્ન કરનાર યુવકના ભાઈના ઘરે ઘૂસીને માર માર્યો હોવાની ફરિયાદ

ઉપલેટા તાલુકાના કોલકી ગામે પ્રેમલગ્ન બાબતે મનદુ:ખ રાખી એક દલિત પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. મળતી માહિતી મુજબ, અરવિંદભાઈ ભુપતભાઈ પરમારે સાત શખ્સો સામે ઉપલેટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ હુમલા પાછળનું મુખ્ય કારણ અરવિંદભાઈના નાના ભાઈ સંજયે આરોપી પક્ષની દીકરી સાથે આશરે બે મહિના પહેલા કરેલા પ્રેમલગ્ન હોવાનું જણાવાયું છે. આ લગ્ન બાદ બંને પક્ષો વચ્ચે તણાવ હતો અને સુરક્ષાના કારણોસર ફરિયાદીનો પરિવાર હાલ ઉપલેટા ખાતે ભાડેથી રહેવા જતો રહ્યો હતો.

બનાવની વિગત એવી છે કે, ગત 6 એપ્રિલ 2026 ના રોજ સવારે અગિયાર વાગ્યાની આસપાસ ફરિયાદી અરવિંદભાઈ અને તેમની પત્ની ગીતાબેન કોલકી ગામે આવેલા પોતાના બંધ ઘરે દાગીના લેવા માટે ગયા હતા. તે સમયે પાડોશમાં રહેતા પાર્વતીબેન સોલંકીએ તેમને જોઈ જતા બોલાચાલી કરી હતી. ત્યારબાદ ચિરાગ સોલંકી નામનો શખ્સ ઘરની ડેલી ટપીને અંદર પ્રવેશ્યો હતો અને અન્ય સાથીદારો માટે દરવાજો ખોલી નાખ્યો હતો. આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી, હાથમાં લાકડી અને હથિયારો સાથે ફરિયાદીના ઘરમાં પ્રવેશ કર્યો હતો. ખુશાલ સોલંકીએ ફરિયાદીને ઝાપટ મારી હતી અને બચાવવા વચ્ચે પડેલી તેની પત્નીને પણ ધક્કો મારી પછાડી દીધી હતી. અન્ય આરોપીઓએ ફરિયાદીને ઢીકાપાટુનો માર મારી બિભત્સ ગાળો આપી હતી.

આ ઝઘડા દરમિયાન પાડોશમાં રહેતા કાળુભાઈ મકવાણા અને તેમના પત્નીએ વચ્ચે પડીને દંપતીને વધુ માર ખાતા બચાવ્યા હતા. આરોપીઓએ જતી વખતે ધમકી આપી હતી કે હવે પછી અહીં આવવું નહીં અને પ્રેમલગ્ન કરનાર દીકરીને પરત મોકલી દેવી. ઉપલેટા પોલીસે આ મામલે ચિરાગ સોલંકી, ખુશાલ સોલંકી, પાર્વતીબેન સોલંકી, પ્રવિણભાઈ સોલંકી, રમેશભાઈ સોલંકી, રાજેશભાઈ સોલંકી અને જેન્તીભાઈ મકવાણા વિરુદ્ધ બી.એન.એસ. ની વિવિધ કલમો 115(2), 352, 189(2), 329(3) અને જી.પી. એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કેસની તપાસ હાલ આસીસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર ભોળાભાઇ કેશાભાઇ ગોહેલ ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *