જામનગર ખાતે રૂૂપિયા 4.52 લાખની લાંચ લેતા ઝડપાયેલા સેન્ટ્રલ પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ ના મદદનીશ ઇજનેર વિજયકુમાર બાબુલાલ મીનાને એન્ટી કરપ્શન બ્યુરો (એ.સી.બી.) દ્વારા કાયદેસરની કાર્યવાહી હેઠળ કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને એક દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા છે.
રિમાન્ડ દરમિયાન આરોપી પાસેથી વધુ માહિતી મેળવવા તેમજ લાંચ પ્રકરણ સંબંધિત પુરાવાઓ એકત્રિત કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અનુસંધાને એ.સી.બી.ની ટીમ દ્વારા આરોપીના નિવાસસ્થાને સઘન જડતી લેવામાં આવી હતી. જોકે જડતી દરમ્યાન અન્ય કોઈ વધુ સામગ્રી હાથ લાગી નથી, તેમજ તેના બેન્ક લોકરની પણ તપાસ કરવામાં આવી રહી છે.
આ સમગ્ર તપાસ મોરબી એ.સી.બી.ના જવાબદાર અધિકારી દ્વારા હાથ ધરવામાં આવી રહી છે, અને સમગ્ર પ્રકરણમાં વધુ ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે. આ કેસમાં અન્ય કોઈની સંડવણી છે કે કેમ તે દિશામાં પણ એસીબી ની ટીમ તપાસ ચલાવી રહી છે.
એ.સી.બી. દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની નીતિ હેઠળ કડક કાર્યવાહી ચાલુ રહેશે, અને સંડોવાયેલા કોઈપણ વ્યક્તિને બક્ષવામાં નહીં આવે.
