કોઠારિયા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના, અન્ય મકાનમાં પણ 50 હજારનો હાથ માર્યાનું ખુલ્યુ
રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા કોઠારીયા રોડ પર ચોરીની એક મોટી ઘટના સામે આવી છે. સત્યમપાર્ક શેરી નંબર 2 માં રહેતા અને સાબુનો વ્યવસાય કરતા વેપારી ઘનશ્યામભાઈ અરવિંદભાઈ ડોબરીયાના રહેણાંક મકાનમાંથી ધોળા દિવસે અજાણ્યો શખ્સ આશરે 10.80 લાખ રૂૂપિયાની કિંમતના સોનાના ઘરેણાં ભરેલું પર્સ ચોરી કરી નાસી છૂટ્યો હતો.આ બનાવ અંગે ફરિયાદીએ આજીડેમ પોલીસ મથકે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બી.એન.એસ. ની કલમ 305 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરતા પાડોશીએ જ દાગીનાની ચોરી કર્યા હોવાનું જાણવા મળ્યું હતું.
ઘટનાની વિગતો મુજબ, ગત તારીખ 01 એપ્રિલ 2026 ના રોજ બપોરના 4:00 થી સાંજના 6:00 વાગ્યાના સમયગાળા દરમિયાન આ ચોરીની ઘટના બની હતી. ફરિયાદી ઘનશ્યામભાઈ ધંધાર્થે બહાર ગયા હતા, ત્યારે તેમના પત્ની પારૂૂલબેન ઘરના દરવાજા ખુલ્લા રાખીને શેરીમાં બજારમાં બેસવા ગયા હતા. આ તકનો લાભ ઉઠાવી કોઈ અજાણ્યો ચોર ઈસમ ઘરમાં પ્રવેશી, દીવાલ પરના ખુલ્લા કબાટમાં રાખેલું દાગીના ભરેલું પર્સ ચોરી કરી ગયો હતો. સાંજે સાત વાગ્યે જ્યારે ઘનશ્યામભાઈ ઘરે પરત ફર્યા ત્યારે તેમની પત્નીએ પર્સ ગાયબ હોવાની જાણ કરી હતી. આસપાસમાં તપાસ કરવા છતાં કોઈ પત્તો ન લાગતા આખરે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી.
ચોરી થયેલી મિલકતની વિગતવાર યાદી મુજબ, પર્સમાં આશરે 4 તોલાનો સોનાનો હાર, 2 તોલાનું મંગળસૂત્ર, 2 તોલાની સોનાની પહોંચી (પોચો), અડધા તોલાની સોનાની બુટ્ટી અને અડધા તોલાનો સોનાનો ટીકો રાખેલ હતો. આમ, કુલ 9 તોલા સોનાના દાગીના જેની બજાર કિંમત 1,20,000 રૂૂપિયા પ્રતિ તોલા લેખે કુલ 10,80,000 રૂૂપિયા થાય છે, તેની ચોરી થઈ છે. પોલીસે આ મામલે પંચનામું કરી સોનાના ઘરેણાંની કુલ કિંમત નોંધી અજાણ્યા તસ્કરને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
આજીડેમ પોલીસ સ્ટેશનમાં તારીખ 02 એપ્રિલ 2026 ના રોજ મોડી રાત્રે 23:50 વાગ્યે આ ફરિયાદ સત્તાવાર રીતે નોંધવામાં આવી હતી. પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.એલ. ગોહીલે પ્રાથમિક વિગતો નોંધી હતી અને ત્યારબાદ આ કેસની વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સિધ્ધરાજસિંહ વિરમદેવસિંહ ગોહિલને સોંપવામાં આવી છે.તપાસ દરમિયાન પોલીસને હકીકત મળી હતી કે,દાગીના ચોરી કરનાર 10 વર્ષની બાળકી હતી.જે અંગે ફરીયાદીએ જણાવ્યા મુજબ, તેમની નજીકમાં એક દંપતી 15 દિવસ પહેલા ભાડેથી રહેવા માટે આવ્યું છે. તેમને સંતાનમાં એક પુત્ર અને દસ વર્ષની પુત્રી છે.ફરીયાદી દંપતી ઘરે ન હતું ત્યારે બાળકીએ ઘરમાં આવી દાગીના ભરેલ પર્સ લઈ ગઈ હતી.જે બાદ તે ઘરે ગયા બાદ તેના માતા પિતા વેંચવા નીકળ્યાં ત્યારે પોલીસે બાતમીના આધારે તેમને પકડી પાડી તમામ દાગીના રિકવર કર્યા હતાં.
