દોઢ વર્ષનું બાળક આખું રમકડું ગળી ગયું

અમદાવાદમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, તબીબોએ સફળ સર્જરી કરી જીવ બચાવ્યો સિવિલ હોસ્પિટલમાં એક અત્યંત ચોંકાવનારો અને તબીબી જગત માટે પડકારરૂૂપ કિસ્સો સામે આવ્યો…

અમદાવાદમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, તબીબોએ સફળ સર્જરી કરી જીવ બચાવ્યો

સિવિલ હોસ્પિટલમાં એક અત્યંત ચોંકાવનારો અને તબીબી જગત માટે પડકારરૂૂપ કિસ્સો સામે આવ્યો છે. 1.5 વર્ષનો માસૂમ બાળક વંશ રમતા-રમતા આખેઆખું ‘હલ્ક’ નામનું પ્લાસ્ટિકનું રમકડું ગળી ગયો હતો. 18 જાન્યુઆરીએ જ્યારે બાળકના ચહેરા પર અચાનક તકલીફના હાવભાવ દેખાયા અને તેને ઊલટી થઈ, ત્યારે માતા ભાવિકાબેનને શંકા ગઈ. તપાસ કરતા માલૂમ પડ્યું કે વંશના રમકડાંમાંથી એક રમકડું ગાયબ હતું અને પૂછપરછ કરતા બાળકે તે ગળી ગયાનું કબૂલ્યું હતું. પરિવાર તાત્કાલિક બાળકને સિવિલ હોસ્પિટલ લાવ્યો, જ્યાં એક્સ-રેમાં આખું રમકડું હોજરીમાં હોવાનું દેખાતા તબીબો પણ સ્તબ્ધ થઈ ગયા હતા.

આ જટિલ સર્જરી અને તેમાં રહેલા જીવના જોખમ વિશે વિસ્તૃત માહિતી આપતા ડો. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, બાળકની હોજરીમાં ફસાયેલું રમકડું કોઈ ટુકડો નહીં પણ હાથ, પગ અને માથું ધરાવતું પૂર્ણ કદનું પાત્ર હતું. અન્નનળી અને જઠર વચ્ચે એક કુદરતી વાલ્વ હોય છે, આ વાલ્વમાંથી આટલા મોટા રમકડાને પસાર કરવું એ સૌથી મોટો પડકાર હતો. એન્ડોસ્કોપના નાજુક ઇન્સ્ટ્રુમેન્ટથી જ્યારે અમે તેને પકડવાનો પ્રયાસ કરતા ત્યારે હોજરીમાં રહેલી હવાને કારણે રમકડું સતત લપસ્યા કરતું હતું. જો અમે તેને હાથ કે પગના ભાગેથી પકડીને ખેંચ્યું હોત, તો તે વાલ્વમાં ફસાઈ જવાની અને વાલ્વને કાયમી નુકસાન પહોંચાડવાની પૂરેપૂરી શક્યતા હતી.

અમે અત્યંત ધીરજ રાખી રમકડાના માથાના ભાગ પર પકડ જમાવી અને સાવચેતીપૂર્વક વાલ્વ ક્રોસ કરાવી તેને બહાર કાઢ્યું. જો આ રમકડું આંતરડામાં ઊતરી ગયું હોત તો આંતરડું ફાટવાનો ભય રહેત અને ઓપરેશન અનિવાર્ય બની જાત.ઓપરેશન બાદ વંશ હવે સંપૂર્ણ સ્વસ્થ છે. બાળકના પિતા ભાવેશભાઈ સહાનીએ અન્ય વાલીઓને અપીલ કરતા જણાવ્યું કે, “બાળકોને આવા નાના રમકડાં ક્યારેય રમવા ન આપવા જોઈએ અને બાળક રમતું હોય ત્યારે સતત ધ્યાન રાખવું જોઈએ. સિવિલના તબીબોની સમયસૂચકતા અને કુશળતાને કારણે જ આજે મારો પુત્ર સુરક્ષિત ઘરે જઈ રહ્યો છે.” ભવિષ્યમાં અન્ય બાળકો સાથે આવી દુર્ઘટના ન બને તે માટે સિવિલ હોસ્પિટલ દ્વારા આ કિસ્સો વાલીઓની જાગૃતિ માટે જાહેર કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *