ખાડી દેશોનો કુસંપ: મુસ્લિમ દેશોને ઇરાનની દોસ્તી ન ખપે

ઈઝરાયલ-અમેરિકા વર્સીસ ઈરાનના યુદ્ધમાં હમણાં ટેબ્લો પડ્યો છે. અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ઈરાન પર પાંચ દિવસ સુધી હુમલા નહીં કરવાની જાહેરાત કરીને સમાધાન માટે હાથ…

ઈઝરાયલ-અમેરિકા વર્સીસ ઈરાનના યુદ્ધમાં હમણાં ટેબ્લો પડ્યો છે. અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે ઈરાન પર પાંચ દિવસ સુધી હુમલા નહીં કરવાની જાહેરાત કરીને સમાધાન માટે હાથ લંબાવ્યો તેમાં હમણાં શાંતિ છે. અમેરિકાએ હુમલા બંધ કરવા માટે ઈરાન સામે ઢગલાબંધ 15 શરતો મૂકી છે ને સામે ઈરાને પણ સાતેક શરતો મૂકી દીધી છે. બંને દેશોએ શરતો તો મૂકી દીધી પણ વાટાઘાટો ક્યાં થશે ને કોણ વાટાઘાટો કરશે એ જ નક્કી નથી. પહેલાં ઓમાન મધ્યસ્થી કરતું હતું પણ હવે ઓમાન મધ્યસ્થી કરશે કે નહીં એ પણ નક્કી નથી તેથી આખી વાત અધ્ધરતાલ છે. ઓમાન પછી તુર્કીનુ નામ આવ્યું ને હવે પાકિસ્તાન દલાલી કરવા કુદી પડયું છે.

ભારતીય વિદેશ મંત્રી જયશંકરે કહ્યું છે કે ભારતને એવી દલાલીમાં રસ નથી, પણ ભારત શાંતી ચાહે છે. આ માહોલમાં ઈરાને એક બીજો રસપ્રદ પ્રસ્તાવ મૂક્યો છે. ઈરાને મુસ્લિમ અને આરબ દેશોને ખાડીની સુરક્ષા માટે એવું જોડાણ બનાવવાની અપીલ કરી છે કે જેમાં અમેરિકા અને ઈઝરાયલની કોઈ ભૂમિકા ના હોય. ઈરાનનું કહેવું છે કે, મિડલ ઈસ્ટને હજારો કિલોમીટર દૂર બેઠેલી તાકતોની સુરક્ષા માટે કોઈ જરૂૂર નથી અને મિડલ ઈસ્ટના દેશો હવે પોતાની સુરક્ષા જાતે કરે એ સમય આવી ગયો છે. એ માટે મિડલ ઈસ્ટના દેશોએ સામાજિક અને સાંસ્કૃતિક એકતા પર આધારિત જોડાણ કરવું જરૂૂરી છે.

ઈરાને ઈઝરાયલ સામેના 1967 અને 1973ના યુદ્ધનો ઉલ્લેખ કરીને કહ્યું છે કે, આ બંને યુદ્ધમાં આરબો હારી ગયા કેમ કે આરબો એક નહોતા પણ હવે આપણે એક થઈએ તો કોઈ ના હરાવી શકે. ઈઝરાયલ અને અમેરિકા મિડલ ઈસ્ટનો ઉપયોગ પોતાના સ્વાર્થ માટે કરે છે એવો આક્ષેપ કરીને ઈરાને સવાલ પણ કર્યો છે કે, અમેરિકાની લશ્કરી છાવણીઓથી મિડલ ઈસ્ટને શું મળ્યું ? ઈરાન એવું પ્રસ્થાપિત કરવા મથે છે કે, મુસ્લિમ દેશો એક થાય તો પોતાની સુરક્ષા જાતે કરી શકે છે અને બીજા કોઈની જરૂૂર નથી. આ વાત સૈદ્ધાંતિક રીતે સાચી છે પણ વાસ્તવિક રીતે સાચી નથી. મિડલ ઈસ્ટમાં અશાંતિ માટે યહૂદીઓ અને મુસ્લિમોની દુશ્મનાવટ અને મુસ્લિમોમાં પણ શિયા વર્સીસ સુન્નીનો ઝઘડો કારણભૂત છે.

આ બંને સમસ્યાઓનો અંત પણ મુસ્લિમ દેશો ઈઝરાયલ સામેની દુશ્મનાવટ અને પેલેસ્ટાઈનની મમત પડતી મૂકી શકે તેમ નથી ને સુન્ની દેશો શિયાઓ સામેની નફરતને છોડી શકે તેમ નથી તેથી ઈરાન ઈચ્છે છે એવો સંઘ બને એમ જ નથી. આવે તો આપોઆપ શાંતિ સ્થપાઈ જાય ને કોઈ યુધ્ધ ના થાય સઉદી અરેબિયા સહિતના સુન્ની દેશોને ઈઝરાયલ નથી ગમતું પણ શિયા મુસ્લિમો સામેની નફરત યહુદીઓ સામેની નફરત જેટલી જ પ્રબળ છે. બલકે છેલ્લાં કેટલાંક વરસોથી ઈરાન સામેની નફરત વધારે પ્રબળ બની છે કેમ કે ઈરાન બધી રીતે મજબૂત થતું જાય છે. આરબોએ અમેરિકાને ચાવી મારી મારીને ઈરાન ફરતેનો ભરડો મજબૂત બનાવ્યો, તેના પર જાત જાતના આર્થિક પ્રતિબંધો મુકાવીને તેને તોડી નાખવા મથામણ કરી પણ ઈરાન મચક નથી આપતું. સઉદી સહિતના સુન્ની દેશોને એમ હતું કે, અમેરિકાનો તાપ ઈરાન જીરવી નહીં શકે ને તૂટી જશે પણ ઈરાન અમેરિકાને પણ ઘોળીને પી ગયું એ સઉદી સહિતના સુન્ની દેશોથી સહન થતું નથી.

દુનિયાના મુસ્લિમોમાં 85 ટકા મુસ્લિમો સુન્ની છે જ્યારે શિયાઓનું પ્રમાણ 14 ટકા જ છે. સુન્નીઓ શિયાઓને ઊતરતા માનીને શિયા સંપ્રદાયને ખતમ કરીને આખી દુનિયામાં સુન્નીઓનું રાજ સ્થાપવા માગે છે. સઉદી સહિતના સુન્ની દેશોમાં શિયાઓને ખતમ કરવાની તાકાત નથી તેથી અમેરિકાના ખભે બંદૂક મૂકીને તેમને પતાવવા મથે છે પણ અમેરિકા પણ એ નથી કરી શક્યું તેથી સુન્નીઓ ધૂંધવાયેલા છે. હવે સુન્ની દેશો ઈરાનની દરખાસ્ત સ્વીકારીને મિડલ ઈસ્ટમાં મુસ્લિમ રાષ્ટ્રોનું સંગઠન બનાવે તો શિયાઓને પોતાની સમકક્ષ તરીકે સ્વીકારી લીધા એવો અર્થ થાય તેથી પણ સુન્ની દેશો ઈરાનની વાત સ્વીકારે તેમ નથી. બીજું એ કે, ઈરાન ઈઝરાયલ સામે લડે છે તેના કારણે સામાન્ય મુસ્લિમોને તેના માટે સહાનુભૂતિ છે. મુસ્લિમ દેશો તેની વાત સ્વીકારે તો આપોઆપ ઈરાન મુસ્લિમોના નેતા તરીકે સ્વીકૃત થઈ જાય તેથી પણ સઉદી અરેબિયા સહિતના દેશો તેની દરખાસ્તને ના સ્વીકારે.

ઈરાન ઈઝરાયલને હરાવે એ વાતમાં માલ જ નથી પણ મુસ્લિમ રાષ્ટ્રોની એકતાના કારણે ઈઝરાયલને થોડાઘણા ફટકા પણ મારી શકાય તો તેનો યશ ઈરાનને જાય. બધા મુસ્લિમ દેશો ભેગા મળીને ના કરી શક્યા એ ઈરાનની પહલના કારણે થયું એવો જશ ઈરાનને મળે તેથી પણ મુસ્લિમ રાષ્ટ્રો આ પહેલમાં જોડાય એ વાતમાં માલ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *