મોટોભાઈ યુવતીને ભગાડી ગયાનો ખાર રાખી નાના ભાઈનું કારમાં અપહરણ, ધોલધપાટ કરી

શહેરની ભાગોળે ભાવનગર રોડ પર આવેલા સરધારના નવાગામમાં રહેતાં યુવાનનો મોટોભાઈ કચ્છની યુવતીને ભગાડી ગયો હોય જેનો ખાર રાખી યુવતીના પરિવારજનોએ નવાગામ આવી યુવાનનું કારમાં…

શહેરની ભાગોળે ભાવનગર રોડ પર આવેલા સરધારના નવાગામમાં રહેતાં યુવાનનો મોટોભાઈ કચ્છની યુવતીને ભગાડી ગયો હોય જેનો ખાર રાખી યુવતીના પરિવારજનોએ નવાગામ આવી યુવાનનું કારમાં અપહરણ કરી ચાલુ કારે મારમારી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં સરધાર નજીક ઉતારી નાસી છુટયા હતાં. આ અંગે આજી ડેમ પોલીસ મથકમાં યુવતીના પિતા સહિત પાંચ શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ, નવાગામના સરધાર ગામે રહેતા 22 વર્ષીય શ્યામભાઈ મુકેશભાઈ છૈયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, તેમના મોટાભાઈ રામભાઈ અને આરોપી ઈશ્વરભાઈની દીકરી ડિમ્પલબેન વચ્ચે પ્રેમસંબંધ હતો. ગત તારીખ 22 માર્ચ 2026ના રોજ રામભાઈ અને ડિમ્પલબેન બંને પોતપોતાના ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયા હતા. આ બાબતનો ખાર રાખીને યુવતીના પિતા અને અન્ય શખ્સોએ ફરિયાદીના ઘરે આવી હંગામો મચાવ્યો હતો અને શ્યામભાઈનું જબરદસ્તીથી અપહરણ કરી ગયા હતા.

કારમાં પાંચ શખ્સો ધસી આવ્યા હતા. આરોપીઓમાં ઈશ્વરભાઈ, મૌલિક, વિવેક અને બે અજાણ્યા ઈસમોનો સમાવેશ થતો હતો. આરોપીઓએ ઘરનો દરવાજો ખખડાવી શ્યામભાઈને બહાર બોલાવ્યા હતા અને “તારો ભાઈ ક્યાં છે?” તેમ કહી ગાળો આપવા લાગ્યા હતા. ત્યારબાદ ઝપાઝપી કરી એક અજાણ્યા ઈસમે ફરિયાદીને લાફા માર્યા હતા અને પરિવારની નજર સામે જ શ્યામભાઈને પકડીને બળજબરીપૂર્વક કારમાં બેસાડી અપહરણ કરી ગયા હતા.

અપહરણકારો શ્યામભાઈને કારમાં બેસાડી રાજપરા, નારણકા, લોઠડા અને ખોખડદડની શુભ ચોકડી સુધી લઈ ગયા હતા. આ મુસાફરી દરમિયાન આરોપીઓએ શ્યામભાઈ અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આરોપીઓ શ્યામભાઈને તેના મોટાભાઈના મિત્ર રાહુલના ઘરે પણ લઈ ગયા હતા, પરંતુ ત્યાં ઘર બંધ હોવાથી તેઓ ફરીથી નવાગામ તરફ નીકળ્યા હતા. રસ્તામાં આરોપી ઈશ્વરભાઈએ ફરિયાદીના ફોન પરથી તેના પિતા મુકેશભાઈ સાથે વાત કરી હતી અને ત્યારબાદ શ્યામભાઈને રસ્તામાં ઉતારી દઈને નાસી છૂટ્યા હતા.

આ અંગે આજી ડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે પાંચયે શખ્સો વિરૂધ્ધ અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *