કલાકના 60ની ઝડપે પવન ફૂંકાતા હોર્ડિંગ્ઝ ઉડ્યા, 55 વૃક્ષો ધરાશાયી, ફાયરની 10 ટીમો દ્વારા રેસ્ક્યુ કામગીરી
જામનગર શહેર અને જિલ્લામાં ગઇકાલે બપોરે 3.40 વાગ્યા બાદ મોસમે એકાએક મિજાજ બદલ્યો હતો, અને તોફાની પવન સાથે મીની વાવાઝોડું ફૂંકાયું હતું. પ્રતિ કલાકના 60 કિ.મી. થી પણ વધુની ઝડપે વાવાઝોડું ફુકાવાની સાથે સાથે વરસાદ પણ શરૂૂ થયો હતો, જેને કારણે ભારે અફડા તફડી સર્જાઇ હતી. સૌપ્રથમ જામનગર શહેરમાં તોફાની પવન સાથે ફુકાયેલા વાવાઝોડા ના કારણે અનેક ઝાડ જમીનદોસ્ત થયા હતા, જયારે જાહેરાતના હોર્ડિંગ્સ ઉડ્યા હતા. પંચેશ્વર ટાવર વિસ્તારમાં મોબાઇલનો ટાવર જમીન દોસ્તી થઈ ગયો હતો. જયારે અનેક સ્થળોએ વીજ પોલ ભાંગી ગયા હતા.
ઝાડ પડવાના કારણે 20 થી વધુ કાર તથા અન્ય વાહન દબાઈ ગયાના અહેવાલો મળ્યા છે. જ્યારે કેટલાક રસ્તા પણ અવરોધાયા હતા. સદભાગ્ય કોઈ જાનહાનિના અહેવાલો મળ્યા નથી. તોફાની પવનના કારણે દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં એક મોલના કાચ તૂટીને નીચે પડ્યા હતા. જ્યારે શહેરના મોટાભાગના વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જોકે મોડેથી ધીમે ધીમે વીજ સપ્લાય પૂર્વવત બન્યો હતો. વરસાદ પણ રોકાઈ ગયો હોવાથી અને પવન સમી ગયો હોવાથી લોકોએ હાસકારો અનુભવ્યો હતો. જામનગર શહેરમાં આજે વિનાશક વાવાઝોડાએ અનેક વૃક્ષોનો સોથ વાળી દીધો છે, ત્યારે શહેરમાં મોટા 55 થી વધુ વૃક્ષો જમીનદોસ્ત થયાના અહેવાલો ફાયર બ્રિગેડને મળ્યા હતા, અને ફાયર શાખાની ટુકડીઓ તુંરતજ કામે લાગી ગઈ હતી. મોટાભાગની ફરિયાદોનો નિકાલ કરી લેવામાં આવ્યો છે.
જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાના ચીફ ફાયર ઓફિસર કે.કે. બિશ્નોઈ ની રાહબરી હેઠળ અને ફાયર શાખા ના સ્ટેશન ઓફિસર જે.બી. રાણા, તથા અન્ય આઠ થી વધુ સ્ટેશન ઓફિસરોની ટીમ તાત્કાલિક અસરથી કંટ્રોલરૂૂમમાં એકત્ર થઈ હતી, અને 70 થી વધુ ફાયરના જવાનોની અલગ અલગ 10 ટીમોં બનાવી હતી, અને કરવત, કુહાડા, રસ્સા વગેરેની સાધન સામગ્રી સાથે તમામ ટીમોને દોડતી કરી દેવામાં આવી હતી, અને માત્ર દોઢ કલાકના સમયગાળા દરમિયાન 45 થી વધુ ફરિયાદોનો નિકાલ કરી નાખવામાં આવ્યો હતો.
જામજોધપુરના ધ્રાફા ગામે વીજળી પડતા યુવાનનું મોત
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ધ્રાફા ગામમાં કમોસમી વરસાદમાં વીજળી પડવાના કારણે એક માલધારીનો ભોગ લેવાયો છે. વરસાદી વીજળી પડવાથી એક માલધારીનું મૃત્યુ નીપજયું છે. આ બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકા ના જૂની આંબરડી ગામમાં રહેતા અને માલધારી તરીકે નો વ્યવસાય કરતા કાબાભાઈ માયાભાઈ વકાતર નામના 52 વર્ષના ભરવાડ આધેડ, કે જેઓ ગઈકાલે સાંજે છ વાગ્યાના અરસામાં ધ્રાફા ગામ નજીક પાણાખાણ વિસ્તારમાં ફુલઝર નદીના કાંઠે પોતાની ભેસોને ચરાવવા માટે લઈ ગયા હતા. જે દરમિયાન એકાએક તેઓ પર વરસાદી વીજળી પડી હતી, જેના કારણે તેનું મૃત્યુ નીપજયું હતું.
