ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ (US) વચ્ચે જે બહુપ્રતિક્ષિત વેપાર કરાર માર્ચ મહિનામાં થવાનો હતો, તે હવે અમેરિકાના નવા ટેરિફ માળખાને કારણે થોડો લંબાયો છે. વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલે સોમવારે સ્પષ્ટતા કરી હતી કે વોશિંગ્ટન દ્વારા વૈશ્વિક ટેરિફ માળખું (Tariff Reset) ફરીથી સેટ કરવામાં આવ્યા બાદ જ ભારત આ મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કરશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચેની વાટાઘાટોમાં કોઈ અવરોધ નથી, પરંતુ બદલાતી કાયદાકીય સ્થિતિને કારણે રાહ જોવી હિતાવહ છે.
વાણિજ્ય સચિવે જણાવ્યું કે અમેરિકામાં તાજેતરમાં સુપ્રીમ કોર્ટે ’ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ’ (IEEPA) હેઠળના ટેરિફના કાનૂની આધારને ફગાવી દીધો છે. આ ચુકાદા બાદ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે કલમ 122 હેઠળ વિશ્વના તમામ દેશો પર 10 ટકાનો સંપૂર્ણ ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. ભારત અત્યારે આ નવી પરિસ્થિતિ અને ટેરિફ આર્કિટેક્ચરની વિગતોની તપાસ કરી રહ્યું છે, જેથી ભવિષ્યમાં વેપારમાં કોઈ મુશ્કેલી ન આવે.
વોશિંગ્ટન અત્યારે તેના વેપાર ભાગીદારો પર દબાણ વધારી રહ્યું છે. યુનાઇટેડ સ્ટેટ્સ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ (USTR) દ્વારા ભારત સહિત 16 દેશો સામે “માળખાકીય વધારાની ક્ષમતા” અંગે તપાસ શરૂૂ કરવામાં આવી છે. આ ઉપરાંત, બળજબરીથી મજૂરી કરાવીને ઉત્પાદિત કરાયેલા માલની આયાત રોકવામાં નિષ્ફળતા બદલ પણ 60 દેશોની તપાસ ચાલી રહી છે, જેમાં ભારતનું નામ પણ સામેલ છે. રાજેશ અગ્રવાલે આ અંગે જણાવ્યું હતું કે ભારત સરકાર આ તપાસના કાનૂની પરિણામોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરી રહી છે.
રાજેશ અગ્રવાલના મતે, યુએસ દ્વારા વૈશ્વિક સ્તરે ટેરિફનું નવું માળખું અંતિમ સ્વરૂૂપ લેશે, ત્યારે જ ભારત હસ્તાક્ષર કરવા માટે આગળ વધશે. “ભારત જે પણ સોદો કરશે તે નવા ટેરિફ માળખાને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે, જેથી લાંબા ગાળે દેશના હિતોનું રક્ષણ થઈ શકે,” તેમ તેમણે ઉમેર્યું હતું. અત્યારે બંને દેશોના અધિકારીઓ કરારની નાની-નાની વિગતો પર કામ કરી રહ્યા છે, જે સૂચવે છે કે સંબંધોમાં સુધારો ચાલુ છે.
