જિલ્લાના સરધાર ગામમાં કૌટુંબિક ઝઘડાએ હિંસક સ્વરૂૂપ ધારણ કર્યું છે. દીકરી સાસરેથી રિસામણે પિતાના ઘરે આવતા ઉશ્કેરાયેલા જમાઈ, વેવાઈ અને વેવાણે સાથે મળીને વેપારી અને તેના 18 વર્ષના પુત્ર પર લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ હુમલામાં પિતાને પગમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ પહોંચી છે.
સરધાર ગામના ઉત્સવનગર ક્વાર્ટરમાં રહેતા અને છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા વીરમભાઈ બચુભાઈ સોલંકી (ઉ.વ. 48) એ આ મામલે ફરિયાદ નોંધાવી છે. વિગત મુજબ, તેમની દીકરી કાજલબેન ગત તા. 28/02/2026ના રોજ પતિ વિજય સાથે ઝઘડો થતા રિસામણે પિતાના ઘરે આવી હતી. બીજા જ દિવસે સવારે કાજલના પતિ વિજય રામજીભાઈ વાઘેલા, સસરા રામજીભાઈ અને સાસુ હંસાબેન વીરમભાઈના ઘરે આવીને બોલાચાલી કરી ઝઘડો કરવા લાગ્યા હતા. જોકે, તે સમયે વીરમભાઈએ તેમને સમજાવીને રવાના કરી દીધા હતા.
ઘટનાના દિવસે સવારે સાડા દસ વાગ્યાની આસપાસ વીરમભાઈ અને તેમનો મોટો પુત્ર નીલેશ (ઉ.વ. 18) ચા પીવા માટે હોટલ તરફ જઈ રહ્યા હતા. ત્યારે સરધારમાં સ્વામિનારાયણ મંદિરની દિવાલ પાછળ છુપાઈને બેઠેલા જમાઈ વિજય અને તેના માતા-પિતાએ એકાએક બહાર આવી પિતા-પુત્રને આંતર્યા હતા.કંઈ પણ સમજાય તે પહેલા જ જમાઈ વિજયે પોતાની પાસે રહેલા લોખંડના પાઇપ વડે નીલેશના માથાના ભાગે જોરદાર ઘા ઝીંકી દીધો હતો, જેના કારણે તે લોહીલુહાણ હાલતમાં નીચે ઢળી પડ્યો હતો. ત્યારબાદ હુમલાખોરોએ વીરમભાઈ પર તૂટી પડી તેમને પણ માથામાં અને જમણા પગે પાઇપના ફટકા માર્યા હતા.
હુમલા દરમિયાન સસરા રામજીભાઈ અને સાસુ હંસાબેને ધમકી આપી હતી કે, “જો હવે તમારી દીકરીને અમારા ઘરે પાછી નહીં મોકલો તો તમને બધાને જોઈ લઈશું અને પતાવી દઈશું.” બૂમાબૂમ થતા ગ્રામજનો એકઠા થઈ ગયા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ગંભીર રીતે ઘાયલ પિતા-પુત્રને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ વીરમભાઈને પગમાં ફ્રેક્ચર હોવાનું જાહેર કર્યું હતું.
શરૂૂઆતમાં સગાઈ-સંબંધી હોવાને કારણે અને સમાધાનની વાતો ચાલતી હોવાથી વીરમભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી ન હતી. પરંતુ અંતે ન્યાયની આશાએ તેમણે જમાઈ વિજય વાઘેલા, વેવાઈ રામજીભાઈ માધાભાઈ અને વેવાણ હંસાબેન રામજી વિરુદ્ધ મારપીટ અને ધમકી આપ્યાનો ગુનો નોંધાવ્યો છે. પોલીસે આ મામલે કાયદેસરની તપાસ હાથ ધરી આરોપીઓની અટકાયત કરવા ચક્રો ગતિમાન કર્યા છે.
